'અમે ડીએમના પણ બાપ છીએ...' JDUના ધારાસભ્યની દાદાગીરી, યુવકને મારી થપ્પડ
ગાડીએ કેળા વેચનાર વૃદ્ધને ટક્કર મારી જેના કારણે તેનું મોત થયું હતું
ગુસ્સે ભરાયેલા પરિજનોએ ઝીરોમાઈલથી સબૌર તરફ જનાર મુખ્યમાર્ગને જામ કરી દીધો હતો
Image:Screengrab |
JDU MLA Gopal Mandal Slapped A Man : બિહારના ભાગલપુરમાં ફરી એકવાર JDUના ધારાસભ્યની દાદાગીરી સામે આવી છે. નજીવી બાબતે ધારાસભ્ય ગોપાલ મંડલે યુવકને થપ્પડ મારી હતી. આ સાથે યુવકને કહ્યું, 'અમે ડીએમના બાપ છીએ.'
જેડીયુના ધારાસભ્યે મૃતકના પરિજનને મારી થપ્પડ
એક ગાડીએ કેળા વેચનાર એક વૃદ્ધ વ્યક્તિને ટક્કર મારી જેના કારણે તેનું મોત થયું હતું. તે પછી મૃતકના પરિજનોએ હોબાળો મચાવ્યો હતો. સમાચાર મળતા ઘટનાસ્થળે પહોંચેલા JDU ધારાસભ્ય ગોપાલ મંડલે મૃતકના પરિજનોમાં સામેલ એક યુવકને થપ્પડ મારી હતી. થપ્પડ મારવા પાછળનું કારણ માત્ર એટલું હતું કે પરિજન ડીએમને બોલાવવાની માંગ કરી રહ્યા હતા.
પરિજનો દ્વારા ડીએમને બોલાવવાની માંગ પર ગોપાલ મંડલ ગુસ્સે થયા
મૃતકના પરિજનો દ્વારા ડીએમને બોલાવવાની માંગ પર ગોપાલ મંડલ ગુસ્સે થઇ ગયા અને તેમણે એક યુવકને થપ્પડ મારી હતી. આટલું જ નહીં થપ્પડ માર્યા બાદ ધારાસભ્યે કહ્યું કે તેઓ ડીએમના બાપ છે. અમે સરકારના માણસ છીએ. જણાવવામાં આવી રહ્યું છે કે ધારાસભ્ય ગોપાલ મંડલ મૃતકના પરિજનોને જામ હટાવવા માટે કહી રહ્યા હતા પરંતુ કેટલાક યુવાનો વળતરની માંગ કરી રહ્યા હતા. જ્યારે ગોપાલ મંડલને પીડિતના પરિવારના સભ્યને થપ્પડ મારવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે અમે અમારા માણસને માર્યો છે સામાન્ય માણસને નહીં, અમે સામાન્ય માણસને કેમ મારશું, અમે શું મૂર્ખ છીએ.
'મને ખેંચી રહ્યો હતો જેથી મેં મારા માણસને થપ્પડ મારી હતી'
JDU ધારાસભ્ય ગોપાલ મંડલે કહ્યું, 'મારા સાથે જ માણસ હતો તે સમજાવવા દઈ રહ્યો ન હતો, મને ખેંચી રહ્યો હતો જેથી મેં મારા માણસને થપ્પડ મારી હતી. મેં મૃતકના પરિજનને થપ્પડ મારી ન હતી. ગોપાલ મંડલ ભાગલપુરના ઝીરોમાઈલ ચોક પાસે વૃદ્ધના મૃત્યુ બાદ ત્યાં એકઠી થયેલી ભીડને સમજાવવા પહોંચ્યા હતા. ઘટનાથી ગુસ્સે ભરાયેલા લોકોએ ઝીરોમાઈલથી સબૌર તરફ જનાર મુખ્યમાર્ગને જામ કરી દીધો હતો. આ દરમિયાન આ ઘટના બની હતી.