‘ખડગેને કોઈ ઓળખતું નથી, નીતીશને બનાવો PM ઉમેદવાર’ JDU ધારાસભ્યનું નિવેદન
જેડીયુ ધારાસભ્યએ કહ્યું, ‘કોંગ્રેસના કારણે જ ભાજપ સત્તામાં આવી, ખડગે-ફડગેને કોઈ ઓળખતું નથી’
અગાઉ લાલુ પ્રસાદ યાદવે નીતીશ કુમારને સમર્થન જાહેર કરી કહ્યું હતું કે, ‘તેમની સામે કોઈપણ પડકાર નથી’
બિહાર, તા.23 નવેમ્બર-2023, શુક્રવાર
I.N.D.I.A. ગઠબંધનની તાજેતરમાં યોજાયેલી બેઠકમાં વડાપ્રધાન પદના ઉમેદવાર (PM Candidate) તરીકે મલ્લિકાર્જુન ખડગેનું નામ આગળ ધરવામાં આવ્યું છે. હવે આ મામલે નેતાઓની મનની વેદના બહાર આવી છે. એક તરફ ઈન્ડિયા ગઠબંધનમાં વિપક્ષોને એક કરવાની કવાયત ચાલી રહી છે, તો બીજીતરફ અંદરો અંદર જ તકરાર સામે આવી રહી છે. જ્યારથી ખડગેને PM પદના ઉમેદવાર બનાવવાનો પ્રસ્તાવ લવાયો છે, ત્યારથી ગઠબંધનમાં સામેલ પક્ષોના નેતાઓના સૂર બદલાતા જોવા મળી રહ્યા છે. લાલુ પ્રસાદ યાદવ બાદ હવે જેડીયુના ધારાસભ્યએ મોટું નિવેદન આપ્યું છે. જેડીયુના ધારાસભ્ય પીએમ પદના ઉમેદવાર માટે બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર (Bihar CM Nitish Kumar)ને યોગ્ય ઉમેદવાર કહી રહ્યા છે.
નીતીશ કુમાર જ બનશે પીએમ : ગોપાલ મંડલ
જેડીયુના ધારાસભ્ય ગોપાલ મંડલે (Gopal Mandal) કોંગ્રેસ (Congress) અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) સહિત ઘણા નેતાઓનો અનામત કરી નીતીશ કુમારનું નામ આગળ ધર્યું છે. તેમણે કહ્યું કે, નીતીશ કુમારનું નામ અને ચહેરો અવિવાદિત છે, તેથી તેમને વડાપ્રધાન ચૂંટવા જોઈએ, ખડગેને કોઈ ઓળખતું નથી.
‘કોંગ્રેસના કારણે જ ભાજપ સત્તામાં આવી’
ગોપાલ મંડલે વડાપ્રધાન પદના ઉમેદવાર માટે નીતીશ કુમાર જ યોગ્ય હોવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે, ‘નીતીશ કુમારનું નામ અને ચહેરો અવિવાદિત છે, તેથી તેમને વડાપ્રધાન ચૂંટવા જોઈએ. કોંગ્રેસનું કોઈ વજન નથી. કોંગ્રેસના કારણે જ BJP સત્તામાં આવી, કોંગ્રેસ જે કામ કરતી આવી છે, તે જ કરશે.’
ખડગેને કોઈ ઓળખતું નથી : જેડીયુ ધારાસભ્ય
ગોપાલ મંડલે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ ન કરી શકાય. પબ્લિક ખડગે-ફરગેને ઓળખતી નથી. અમે તેમને ઓળખતા પણ નથી. તમે લોકો નામ બોલ્યા બાદ અમને જાણ કે, તેઓ કોંગ્રેસના અધ્યક્ષ છે. ખડગેને કોઈ ઓળખતું નથી. નીતીશ વડાપ્રધાન બનશે. તમામ લોકો નીતીશ કુમારને ઓળખે છે.
નીતીશન PM ફેસ બનાવવા જેડીયુ-રાજદ નેતાની માંગ
ઉલ્લેખનિય છે કે, અગાઉ લાલુ પ્રસાદ યાદવે (Lalu Prasad Yadav) પણ બિહારના મુખ્યમંત્રીને સમર્થન જાહેર કરી કહ્યું હતું કે, નીતીશ કુમાર સામે કોઈપણ પડકાર નથી. રાજકીય પંડિતોનું માનવું છે કે, રાજદ રાષ્ટ્રીય રાજકારણમાં નીતીશ કુમારને સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે, જેથી બિહારમાં તેજસ્વી યાદવનો રસ્તો સાફ થઈ શકે અને તેઓ રાજ્યના મુખ્યમંત્રી બની શકે.
ગઠબંધનની બેઠકમાં ખડગેના નામનો પ્રસ્તાવ
સૂત્રોના જણાવ્યા મુજબ નવી દિલ્હીમાં વિપક્ષી ગઠબંધનની બેઠક યોજાઈ હતી, જેમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (West Bengal Mamata Banerjee)એ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે મલ્લિકાર્જુન ખડગેના નામનો પ્રસ્તાવ મુક્યો હતો. આ પ્રસ્તાવને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Delhi CM Arvind Kejriwal) પણ સમર્થન આપ્યું હતું, જોકે લાલુ યાદવ અને નીતીશ કુમારે અસંમતિ વ્યક્ત કરી હતી. આ બંને નેતાઓ ગઠબંધનની પ્રેસકોન્ફરન્સ પહેલાં જ બેઠકમાંથી જતા રહ્યા હતા.