Get The App

વિલંબ ન થવો જોઈએ...: NDAની મીટિંગમાં નીતિશ કુમારે PM મોદીને આપ્યો મેસેજ

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
વિલંબ ન થવો જોઈએ...: NDAની મીટિંગમાં નીતિશ કુમારે PM મોદીને આપ્યો મેસેજ 1 - image


Image Source: Twitter

NDA Meeting: લોકસભા ચૂંટણી 2024ના પરિણામ આવી ગયા છે અને આ ચૂંટણીમાં NDAને બહુમતી મળી છે તેથી હવે સરકાર બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. NDAએ સર્વસંમતિથી નરેન્દ્ર મોદીને પોતાના નેતા તરીકે પસંદ કરી લીધા છે. સૂત્રો પાસેથી આ માહિતી મળી છે. ભાજપની આગેવાની હેઠળના NDAના સાથી પક્ષો 7 જૂને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરશે જ્યાં તેઓ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. જો આમ થશે તો જવાહરલાલ નેહરુ પછી નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનનાર પ્રથમ નેતા હશે.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને તેલુગુ દેશમ પાર્ટીના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ ઈચ્છે છે કે નરેન્દ્ર મોદી સરકારના ગઠનની પ્રક્રિયા પર ઝડપથી કામ કરે. બુધવારે યોજાયેલી NDAની બેઠકમાં સરકારની રચના અંગે ચર્ચા કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં NDA સાથી પક્ષોને કયા મંત્રાલયો સોંપવામાં આવશે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે TDP અને JDUએ ગૃહ, રક્ષા, નાણાં, રેલવે જેવા મોટા મંત્રાલયોની માગ કરી છે.

સરકાર બનાવવામાં વિલંબ ન થવો જોઈએ

NDAની બેઠક દરમિયાન નીતીશ કુમારે કાર્યકારી પીએમ નરેન્દ્ર મોદીને કહ્યું કે, ઉતાવળ કરો. સરકાર બનાવવામાં વિલંબ ન થવો જોઈએ. આપણે બને તેટલું જલ્દી કરવું જોઈએ. તેમના નિવેદનથી ભાજપ ખુશ થશે, કારણ કે આ તેમના NDAમાંથી બહાર ન જવાનો મોટો પુરાવો છે. બેઠકમાં NDAના સાથી પક્ષોએ સર્વસંમતિથી નરેન્દ્ર મોદીને પોતાના નેતા તરીકે પસંદ કર્યા છે. NDAના 21 સભ્યો દ્વારા સહી કરેલા પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું કે, અમે સર્વસંમતિથી નરેન્દ્ર મોદીને અમારા નેતા તરીકે ચૂંટ્યા છે.

આ બેઠકમાં નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, TDP પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુ, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને જેડીયુના નેતાઓ લલ્લન સિંહ અને સંજય ઝાએ સામેલ હતા. NDAની બેઠકમાં બધાની નજર જેડીયુના નીતિશ કુમાર અને TDPના ચંદ્રાબાબુ નાયડુ પર હતી, જેઓ આ વખતે સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે.

જેડીયુ અને TDP પાસે કેટલી બેઠકો?

TDPએ આંધ્ર પ્રદેશમાં 25માંથી 16 લોકસભા બેઠકો જીતી છે જ્યારે જેડીયુએ બિહારમાં 40માંથી 12 બેઠકો જીતી છે. આ વખતે ભાજપ માત્ર 240 લોકસભા બેઠકો જીતીને બહુમતીથી પાછળ રહી ગઈ છે. સાથી પક્ષોની મદદથી NDAએ 293 બેઠકો મેળવી છે અને બહુમતીનો આંકડો પાર કર્યો છે.


Google NewsGoogle News