વધુ એક મુદ્દે નીતિશ કુમારની જેડીયુએ ભાજપના ધબકારાં વધાર્યા, કહ્યું - સર્વાનુમત ખૂબ જ જરૂરી
Image : IANS |
JDU on UCC : લોકસભા ચૂંટણી દરમિયાન, ભારતીય જનતા પાર્ટી (BJP)એ તેના ચૂંટણી ઢંઢેરામાં સમાન નાગરિક સંહિતા (UCC)ને મહત્ત્વનું સ્થાન આપ્યું હતું. જો કે ચૂંટણી પરિણામાં ભાજપને સ્પષ્ટ બહુમતી ન મળતા પાર્ટીને યુનિફોર્મ સિવિલ કોડને કાયદો બનાવવા માટે નીતિશ કુમારની જેડીયુ અને ચંદ્રબાબુ નાયડુની ટીડીપી પર નિર્ભરતા વધી છે. કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો)એ UCCને લઈને મંગળવારે નિવેદન આપ્યું હતું. તેમના આ નિવેદન પર JDU તરફથી પણ પ્રતિક્રિયા આવી છે.
JDUના રાષ્ટ્રીય મહાસચિવે મેઘવાલના નિવેદન પર પ્રતિક્રિયા આપી
કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અર્જુન રામ મેઘવાલે ચાર્જ સંભાળતી વખતે મંગળવારે કહ્યું હતું કે UCC હજુ પણ સરકારના એજન્ડામાં છે. અને આપણે રાહ જોવી જોઈએ અને જોવું જોઈએ કે શું થાય છે. તેમના આ નિવેદન JDUના રાષ્ટ્રીય મહાસચિવ કેસી ત્યાગીએ બુધવારે UCC પર પ્રતિક્રિયા આપી હતી. એક અખબાર સાથે વાત કરતા ત્યાગીએ કહ્યું હતું કે, 'JDU યુસીસીની વિરુદ્ધ નથી, પરંતુ અમે આ મુદ્દે સર્વસંમતિ ઈચ્છીએ છીએ. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે 2017માં UCC પર કાયદા પંચને પત્ર લખ્યો હતો.'
યુસીસી પર સર્વસંમતિ બનાવવી જોઈએ : નીતિશ કુમાર
નીતિશ કુમારે વર્ષ 2017માં પોતાના પત્રમાં લખ્યું હતું કે, 'સરકારે એક સમાન નાગરિક સંહિતા લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. આ પ્રયાસને કાયમી અને ટકાઉ બનાવવા માટે, વ્યાપક સર્વસંમતિ બનાવવી જોઈએ. આને કોઈપણ આદેશ દ્વારા લાદવું જોઈએ નહીં.' આ ઉપરાંત જેડીયુએ એમ પણ કહ્યું છે કે યુસીસીને રાજકીય સાધન તરીકે નહીં પરંતુ સુધારા તરીકે જોવું જોઈએ.' તો બીજી તરફ 16 સાંસદો સાથે એનડીએમાં બીજા સૌથી મોટા સહયોગી ટીડીપીએ કહ્યું છે કે 'યુસીસી જેવા મુદ્દાઓ પર બેસીને ચર્ચા કરવી જોઈએ અને ઉકેલવા જોઈએ.'