ભાજપ સહયોગી નીતિશ કુમારને જોરદાર ઝટકો, કદાવર નેતાએ પાર્ટી પ્રવક્તા પદેથી ધર્યું રાજીનામું
K C Tyagi Resign : બિહારમાં મોટી રાજકીય હલચલ થઇ છે. રાજ્યમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે એના પહેલા જ જનતા દળ (યુનાઈટેડ)ના રાષ્ટ્રીય પ્રવક્તા કે.સી. ત્યાગીએ પોતાના પદે પરથી રાજીનામું આપી દીધું છે.
પાર્ટીએ રાજીનામાનું કારણ જણાવ્યું...
પાર્ટી દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે કેસી ત્યાગીએ અંગત કારણોસર પાર્ટીના પ્રવક્તા પદ પરથી રાજીનામું આપ્યું છે. કેસી ત્યાગીના રાજીનામા બાદ જેડીયુએ નવા રાષ્ટ્રીય પ્રવક્તાની પણ જાહેરાત કરી દીધી છે. કે.સી. ત્યાગીની જગ્યાએ હવે રાજીવ રંજન પ્રસાદને જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા જાહેર કરવામાં આવ્યા છે.
રાજકીય સલાહકાર તરીકે પાર્ટીમાં જળવાઈ રહેશે
જનતા દળ (યુનાઈટેડ)ના જનરલ સેક્રેટરી અફાક અહેમદ ખાને એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, 'જનતા દળ (યુનાઈટેડ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિશ કુમારે રાજીવ રંજન પ્રસાદને રાષ્ટ્રીય પ્રવક્તા પદ પર નિયુક્ત કર્યા છે. પાર્ટીમાં પ્રવક્તા પદે રહેલા કેસી ત્યાગીએ અંગત કારણોસર પાર્ટીના પ્રવક્તા પદેથી રાજીનામું આપ્યું છે. એવી ચર્ચા છે કે કેસી ત્યાગી પાર્ટીના રાજકીય સલાહકારોમાં જળવાઈ રહેશે.
જેડીયુના કદાવર નેતા ગણાય છે
કે.સી. ત્યાગી જેડીયુના દિગ્ગજ નેતા છે અને પાર્ટી વતી ઘણા મોરચે બોલતા રહ્યા છે. તીક્ષ્ણ પ્રવક્તા અને કુશળ રાજનેતા તરીકે જાણીતા કે.સી. ત્યાગીના રાજીનામાએ બધાને ચોંકાવી દીધા છે. જો કે, થોડા દિવસો પહેલા કેસી ત્યાગીએ ત્યારે બધાને ચોંકાવ્યા હતા જ્યારે તેઓ વિપક્ષ સાથે દેખાયા હતા. ખરેખર તો દેશના વિપક્ષી દળોના એક જૂથે પેલેસ્ટાઈનના નેતા સાથે મુલાકાત કરી હતી તે સમયે તે તેમની સાથે હતા.