'બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપો..' નીતિશની પાર્ટીએ ફરી માગ કરીને NDAનું ટેન્શન વધાર્યું
Image : IANS |
JD-U national executive meeting : જનતા દળ યુનાઈટેડ (JD-U)ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક આજે દિલ્હીમાં યોજાઈ હતી. જેનું નેતૃત્વ ખુદ પાર્ટીના પ્રમુખ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કર્યું. બેઠકમાં એક મોટો નિર્ણય એ લેવાયો કે વરિષ્ઠ નેતા સંજય ઝાને પાર્ટીના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ પદની જવાબદારી સોંપવામાં આવશે. આ સાથે જ બેઠકમાં બિહાર માટે વિશેષ રાજ્યના દરજ્જાની માગ કરી દેવામાં આવી હતી. જેનાથી ફરી એકવાર NDAનું ટેન્શન વધી શકે છે.
નીતિશ કુમારે લીધો નિર્ણય
માહિતી અનુસાર મુખ્યમંત્રી અને જેડીયુના પ્રમુખ નીતિશ કુમારે ખુદ સંજય ઝાને કાર્યકારી અધ્યક્ષ બનાવવાની જાહેરાત કરી છે. નીતિશ કુમારે આ નિર્ણય દિલ્હીની કોન્સ્ટિયુશન ક્લબમાં આયોજિત પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં લીધો હતો. આ બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ નેતા અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય કાર્યકારિણીમાં મૂકી મોટી માગ
આ સાથે જેડીયુની કાર્યકારિણીની બેઠકમાં કેન્દ્ર સરકાર સમક્ષ મોટી માગ રજૂ કરવામાં આવી હતી. નીતીશ કુમારની આગેવાનીમાં યોજાયેલી બેઠકમાં બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ કરાઈ છે. તેમાં ભારપૂર્વક કહેવાયું છે કે બિહારને લાંબા સમયથી વિશેષ રાજ્યનો દરજ્જો આપવા માગ થઇ રહી છે. રાજ્યના આર્થિક વિકાસ માટે તે ખૂબ જ જરૂરી બની ગયું છે.