જ્યંત ચૌધરી, અમિત શાહ અને જે.પી. નડ્ડાને મળ્યા ડીલ પાકું : રાષ્ટ્રીય લોકદળ (RLD) NDA માં જોડાશે
- ટીડીપીના ચંદ્રાબાબુ બુધવારે અમિત શાહને મળ્યા
- અખિલેશ પ.ઉ.પ્ર.માં RLDને 7 સીટો જ ઓફર કરી તેથી જ્યંત ચૌધરી INDIA છોડી NDA માં જોડાશે
નવીદિલ્હી : રાષ્ટ્રીય લોકદળ (આર.એલ.ડી.)ના પ્રમુખ ટૂંક સમયમાં જ ઇંડિયા ગઠબંધનથી અલગ થવાની જાહેરાત કરશે તેમ કહેવાય છે. સૂત્રો જણાવે છે કે જ્યંત ચૌધરી કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહને ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાને બુધવારે સાંજે મળ્યા હતા. આથી હવે ઇંડીયા-એલાયન્સ તૂટી જશે તે લગભગ નિશ્ચિત થઈ ગયું છે. જ્યંત ચૌધરી ભાજપના ઉક્ત બંને દિગ્ગજોને મળ્યા તેથી તેઓ એન.ડી.એ.માં જોડાશે તે લગભગ નિશ્ચિત થઈ ગયું છે.
ઉલ્લેખનીય છે કે જ્યંત ચૌધરી જાટોના અગ્રીમ નેતા છે. હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન ઉપરાંત પ.ઉત્તર પ્રદેશમાં જાટોની સારી એવી વસ્તી છે. ત્યાં જ્યંત ચૌધરીએ લોકસભાની વધુ બેઠકો માગી હતી. પરંતુ અખિલેશ યાદવે માત્ર ૭ સીટો જ ઓફર કરતાં હવે જ્યંત ચૌધરીએ પી.એમ. મોદી સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે.
એવું માનવામાં આવે છે કે, ટૂંક સમયમાં જ ચૌધરી ઇંડીયા એલાયન્સથી છૂટા પડવાની જાહેરાત કરશે. આ અંગે અખિલેશને પૂછવામાં આવતાં તેણે પત્રકારોને કહ્યું હતું કે, જ્યંત બીજે ક્યાંય જવાનો નથી.
સૂત્રો વધુમાં કહે છે કે આર.એલ.ડી.ના જ્યંત ચૌધરી સાથે ટીડીપી નેતા ચંદ્રાબાબુ નાયડુ પણ એનડીએમાં ફરી જોડાય તેવી શક્યતા છે. તેમણે બુધવારે મોડી રાત્રે અમિત શાહ સાથે મુલાકાત લીધી હતી. તે સમયે ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ ત્યાં ઉપસ્થિત હતા.
વાસ્તવમાં ચંદ્રાબાબુ ભાજપમાં જોડાશે તેવી ચર્ચા ઘણા સમયથી થઈ રહી છે. નાઈડૂ બુધવારે દિલ્હી પહોંચ્યા હતા અને રાત્રે અમિત શાહનાં ઘરે પહોંચી તેમને મળ્યા હતા.
તે સર્વવિદિત છે કે ૨૦૧૪ની ચૂંટણી તેઓ ભાજપાની સાથે રહીને લડી ચૂક્યા છે.
આંધ્રપ્રદેશમાં લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની પણ ચૂંટણી આવવાની છે. તે ગણતરીએ ચંદ્રાબાબુની આ મુલાકાત ઘણી મહત્ત્વની બની રહી છે.