આચાર સંહિતાના કેસમાં ભાજપના પૂર્વ સાંસદ જયાપ્રદાને રાહત, પુરાવાના અભાવે નિર્દોષ જાહેર
BJP MP Jaya Prada Case : ભાજપના પૂર્વ સાંસદ અને ફિલ્મ અભિનેત્રી જયાપ્રદા વિરુદ્ધના આચાર સંહિતના ઉલ્લંઘનના વધુ એક કેસમાં કોર્ટે મોટી રાહત આપી છે. રામપુરની એમપી-એમએલએ કોર્ટે પુરાવના અભાવે તેમને નિર્દોષ જાહેર કર્યા છે. આજે કોર્ટમાં શરુ થયેલી સુનાવણી દરમિયાન જયાપ્રદા પણ હાજર રહ્યા હતા.
આચાર સંહિતા છતાં જયાપ્રદાએ રોડનું ઉદ્ઘાટન કર્યું હતું
વર્ષ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ઉત્તર પ્રદેશની સ્વાર પોલીસ સ્ટેશનમાં જયાપ્રદા વિરુદ્ધ આચાર સંહિતાના ઉલ્લંઘનનો કેસ નોંધાયો હતો. આચાર સંહિતા લાગુ હોવા છતાં તેમણે એક રોડનું ઉદ્ઘાટન કર્યું હતું, જેનો વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો. જોકે આ કેસમાં પુરાવના અભાવે કોર્ટે તેમને રાહત આપી છે.
વાંધાજનક ટિપ્પણીના કેસમાં પણ રાહત
પૂર્વ સાંસદ જયાપ્રદા સામે આચાર સંહિતા ઉલ્લંઘનના અન્ય કેસ પણ નોંધાયેલા હતા, જો કે તેમને અગાઉ રાહત મળી ગઈ છે. જયાપ્રદાએ સમાજવાદી પાર્ટીના નેતા આજમ ખાન વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ મુદ્દે તેમની સામે કેમરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જોકે પુરાવના અભાવને કારણે તેમને આ કેસમાં પણ નિર્દોષ જાહેર કરાયા હતા.
ઉલ્લંઘનના બે કેસમાં ફરાર હોવાનો આરોપ
જયાપ્રદા પર આચારસંહિતા ભંગના બે કેસમાં ફરાર હોવાનો આરોપ હતો. કોર્ટમાં હાજર ન થવાને કારણે તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરાયું હતું. એમપી/એમએલએ કોર્ટે પણ સીઆરપીસીની કલમ 82 હેઠળ આદેશ જારી કર્યો હતો.