નહેરુ-એડવિનાના પત્રોનું ભૂત ફરી ધૂણ્યું, જાણો આઝાદીના 78 વર્ષ પછીયે કેમ છુપાવી રખાયા છે
Jawaharlal Nehru-Edwina Mountbatten Letter Controversy : ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને ભારતના છેલ્લા વાઈસરોય લુઈસ માઉન્ટબેટનના પત્ની એડવિના માઉન્ટબેટન વચ્ચે સારી મિત્રતા હતી, જેનો દુરુપયોગ રાજકીય કિન્નાખોરી માટે વર્ષોથી થતો આવ્યો છે. બંને વચ્ચે થયેલ પત્રોનું આદાન-પ્રદાન છાશવારે વિવાદ સર્જતું રહ્યું છે. તાજેતરમાં નહેરુ અને એડવિના વચ્ચે લખાયેલા પત્રો જાહેર કરવાની માંગ ફરી એકવાર ઊઠી છે.
કોણે, શું માંગ કરી?
‘પ્રાઈમ મિનિસ્ટર્સ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી’ (PMML) એ પ્રથમ વખત ઔપચારિક રીતે જવાહરલાલ નહેરુ દ્વારા એડવિના માઉન્ટબેટનને લખવામાં આવેલા પત્રોની માંગ કરી છે. PMML ના સભ્ય અમદાવાદ સ્થિત ઈતિહાસકાર રિઝવાન કાદરીએ 10 ડિસેમ્બરના રોજ એક પત્ર લખીને આ માંગ કરી છે. પત્રમાં નહેરુ દ્વારા જયપ્રકાશ નારાયણ, આલ્બર્ટ આઈન્સ્ટાઈન, પદ્મજા નાયડુ, વિજયા લક્ષ્મી પંડિત, અરુણા આસફ અલી, બાબુ જગજીવન રામ અને ગોવિંદ વલ્લભ પંત વગેરેને લખેલા અંગત પત્રોની માંગ પણ કરવામાં આવી છે.
કોના કબજામાં છે એ પત્રો?
રિઝવાન કાદરીએ આ પત્ર રાહુલ ગાંધીને લખ્યો છે, કેમ કે એ પત્રો કોંગ્રેસના કબજામાં છે. કાદરીએ પત્રમાં લખ્યું છે કે નહેરુના એ અંગત કાગળો તેમના પુત્રી ઈન્દિરા ગાંધી પાસે હતા. 1971 માં ઈન્દિરા ગાંધીએ એ પત્રો PMML ને આપી દીધા હતા, એમ કહીને કે એ પત્રો ‘સામાન્ય ભેટ નથી, પણ એને સાચવવાના છે’. પત્રમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે, 2008માં દેશમાં યુપીએ શાસન હતું ત્યારે સોનિયા ગાંધીએ એ તમામ પત્રો મંગાવી લીધા હતા અને ત્યારથી એ પત્રો એમના કબજામાં છે. પત્રમાં દાવો કરાયો છે કે, ગણીને બે-ચાર નહીં, પૂરા 51 બોક્સ ભરાય એટલા બધા પત્રો છે.
આ કારણ આપીને કરાઈ માંગ
કાદરીએ કોંગ્રેસના કબજામાં રહેલા તમામ પત્રોની માંગ કરવા પાછળ એવું કારણ આપ્યું છે કે, એ પત્રો ઐતિહાસિક દસ્તાવેજની ગરજ સારે એવા છે, તેથી સંશોધકો અને વિદ્વાનોના લાભાર્થે એને સાર્વજનિક કરવા જોઈએ. કાદરીએ લખ્યું છે કે મૂળ પત્રો ન આપો તો કંઈ નહીં, એની ફોટોકોપી અથવા ડિજિટાઈઝ્ડ વર્ઝન આપો.
ભાજપે ઉઠાવ્યા પ્રશ્નો
આ મુદ્દે ભાજપના સંબિત પાત્રા અને પ્રદીપ ભંડારી જેવા નેતાઓએ પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે, દેશના ઈતિહાસમાં ડોકિયું કરવાની તક આપે એવા મહત્ત્વપૂર્ણ પત્રો છુપાવી રાખવાનું કારણ શું હોઈ શકે? એવું તો શું છે એ પત્રોમાં કે આમ ગુપ્ત રાખવું પડે અને PMMLમાંથી ઉપાડીને ઘરભેગાં કરી લેવા પડે?
સંબિત પાત્રાએ આ પુસ્તકને આધાર બનાવ્યું
ભાજપના સંબિત પાત્રાએ મૌલાના અબુલ કલામ આઝાદની આત્મકથા ‘ઈન્ડિયા વિન્સ ફ્રીડમ’માં જે લખાયું છે એને આગળ કરીને કહ્યું છે કે, ‘મૌલાનાજીએ પણ લખ્યું છે કે, જવાહરલાલ લોર્ડ માઉન્ટબેટનથી ખૂબ પ્રભાવિત હતા, પરંતુ કદાચ લેડી માઉન્ટબેટનનો પ્રભાવ તેનાથી પણ વધારે હતો. તે માત્ર અત્યંત બુદ્ધિશાળી જ નહીં, પણ આકર્ષક અને મૈત્રીપૂર્ણ સ્વભાવ ધરાવતા હતાં.’
ખરેખર શું છે એ પત્રોમાં?
નહેરુ-એડવિનાના પત્રોમાં શું લખાયેલું છે એ વિશે ભારતીયોને ખબર નથી, પણ માઉન્ટબેટન પરિવારના લોકોએ એમાંના અમુક પત્રો વાંચ્યા છે, એટલે એમને એના વિશે ખ્યાલ છે. એડવિનાના પુત્રી પામેલા હિક્સ દ્વારા લખાયેલા પુસ્તક ‘ડોટર ઓફ એમ્પાયરઃ લાઈફ એઝ એ માઉન્ટબેટન’માં એ પત્રોમાં શું છે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
શું લખાયું છે પુસ્તકમાં?
પામેલાએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, ‘મારા માતા અને નહેરુજી વચ્ચે ‘ગાઢ સંબંધ’ હતા, જે માઉન્ટબેટન દંપતી 22 માર્ચ, 1947માં ભારત આવ્યું એ પછી શરૂ થયા હતા. બંને એકબીજાનો ખૂબ આદર કરતા હતા. બંને વચ્ચે ભાવનાત્મક અને બૌદ્ધિક સમાનતા હતી, તેથી મારા માતા નહેરુજીના ખાસ મિત્ર બન્યા હતાં.’
રોમેન્ટિક સંબંધો નહોતા
પામેલાએ લખ્યું છે કે, ‘મારા માતા અને પંડિતજી વચ્ચે સ્નેહના સંબંધ હતા, શારીરિક સંબંધ બંધાય એવો સમય કે અનુકૂળતા જ એમને નહોતી. બંને ક્યારેય એકલા નહોતા પડતાં, સતત તેમના સ્ટાફ, પોલીસ અને અન્ય લોકોથી ઘેરાયેલા રહેતા હતાં.’
પિતાની ભેટ પુત્રીને આપેલી
પામેલાએ વધુમાં લખ્યું છે કે, એડવિના માઉન્ટબેટન ભારત છોડીને ઈંગ્લેન્ડ પરત જઈ રહ્યા હતા ત્યારે તેઓ નહેરુજીને નીલમણિની વીંટી યાદગીરીરૂપે ભેટ આપવા ઈચ્છતા હતાં, પણ તેઓ જાણતા હતાં કે નહેરુજી ભેટ નહીં સ્વીકારે તેથી તેમણે એ વીંટી ઈન્દિરા ગાંધીને આપી હતી.
નહેરુએ એડવિનાને હૃદયસ્પર્શી વિદાય આપી હતી
વિદાય વેળા નહેરુએ એડવિના માટે હૃદયસ્પર્શી ભાષણ આપ્યું હતું, એનો પણ પામેલાએ પોતાના પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે. ભાષણમાં નહેરુએ એડવિનાની પ્રશંસા કરતા કહ્યું હતું કે, ‘તમે જ્યાં પણ ગયા છો ત્યાં તમે અન્યોને આશ્વાસન, આશા અને પ્રોત્સાહન આપ્યાં છે. તેથી કોઈને એ વાતની નવાઈ નથી લાગતી કે ભારતના લોકો તમને પ્રેમ કરે છે, તમને પોતાનામાંના એક તરીકે જ જુએ અને તમે ભારત છોડીને જઈ રહ્યા છો, એ કારણસર દુઃખી છે.’
રાજકીય નિષ્ણાતોનો મત શું છે?
આ મુદ્દે દેશમાં નિષ્ણાતોના બે ભાગ પડી ગયા છે. એક વર્ગ એમ કહે છે કે, ‘એ પત્રો ખરેખર ભારતનો ઐતિહાસિક દસ્તાવેજ છે, તેથી એને જાહેર કરવા જ જોઈએ.’ જ્યારે બીજો વર્ગ એવો મત ધરાવે છે કે, ‘એ પત્રો નહેરુની અંગત મિલકત ગણાય, એનું શું કરવું એ એમનો પરિવાર જ નક્કી કરી શકે અને એ એમનો હક પણ છે. જે વ્યક્તિ પોતાનો પક્ષ રજૂ કરવા માટે હયાત નથી એના અંગત જીવનની બાબતો જાહેર કરવી એ નૈતિકતાની દૃષ્ટિએ અયોગ્ય છે.’
ભાજપની દાનત વિશે શંકા
આ બીજો વર્ગ ભાજપની ખોરી દાનતને આડે હાથે લઈને એમ પણ કહે છે કે, ‘ઈતિહાસ સમજવા માટે બીજા પણ રસ્તા છે. એના માટે કોઈના અંગત જીવનમાં ચંચૂપાત કરવાની જરૂર નથી. નહેરુની ખાનગી વાતો જાહેર કરીને એનો રાજકીય દુરુપયોગ કરવા માટે જ આલ્બર્ટ આઈનસ્ટાઈન સહિત અન્ય મહાનુભાવોના પત્રોની પણ માંગ કરવામાં આવી છે, બાકી એમનું લક્ષ્ય તો નહેરુ અને કોંગ્રેસની બદનામી જ છે.’