લોકસભા ચૂંટણી: નેહરુ અહીંથી ત્રણ વખત બન્યા સાંસદ પણ 1989થી આજ સુધી નથી જીતી કોંગ્રેસ

Updated: May 20th, 2024


Google NewsGoogle News
લોકસભા ચૂંટણી: નેહરુ અહીંથી ત્રણ વખત બન્યા સાંસદ પણ 1989થી આજ સુધી નથી જીતી કોંગ્રેસ 1 - image


Image Source: Twitter

Lok Sabha Election 2024: ઉત્તર પ્રદેશમાં ફુલપુર લોકસભા બેઠક પરથી ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ ત્રણ વખત લોકસભા ચૂંટણી જીત્યા હતા. સ્વતંત્રતા સેનાની અને રાજનેતા વિજયલક્ષ્મી પંડિત પણ અહીંથી કોંગ્રેસની ટિકિટ પર બે વખત સંસદમાં પહોંચવામાં સફળ રહ્યા હતા. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે, 1952થી લઈને 1967 સુધી જે બેઠક પર કોંગ્રેસ ક્યારેય ચૂંટણી નથી હારી ત્યાં 1989થી આજ સુધી કોંગ્રેસ ચૂંટણી નથી જીતી શકી. 

2014ની લોકસભાન ચૂંટણીમાં જ્યારે કેશવ પ્રસાદ મૌર્ય જીત્યા હતા ત્યારે પહેલીવાર ફુલપુરમાં ભાજપને જીત મળી હતી પરંતુ 2017માં જ્યારે ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર બની ત્યારે કેશવ પ્રસાદ મૌર્ય રાજ્ય સરકારમાં ડેપ્યુટી સીએમ બની ગયા. ત્યારે આ બેઠક પર થયેલી પેટાચૂંટણીમાં સપાએ ભાજપને હરાવ્યું હતું. પરંતુ 2019માં ભાજપે ફરીથી આ બેઠક પર કબજો કરી લીધો હતો. અતીક અહેમદે પણ 2004માં આ બેઠક પરથી ચૂંટણી જીતી હતી. 

કોણ-કોણ છે ઉમેદવાર?

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કેસરી દેવી પટેલે SP ઉમેદવાર પંધારી યાદવને 1.70 લાખથી વધુ મતોથી હરાવ્યા હતા. આ વખતે ભાજપે કેસરી દેવી પટેલની ટિકિટ કાપીને ફુલપુરના ધારાસભ્ય પ્રવીણ પટેલને આપી છે.

પ્રવીણ પટેલના પિતા મહેન્દ્ર પ્રતાપ પટેલ પણ અનેક વખત ધારાસભ્ય રહી ચૂક્યા હતા. તેમના પિતા ઝુંસી વિધાનસભા ક્ષેત્રથી 1984, 1989 અને 1991માં કોંગ્રેસની ટિકિટ પર ધારાસભ્યની ચૂંટણી જીત્યા હતા. પ્રવીણ પટેલ 2007માં BSPની ટિકિટ પર ફુલપુરથી ધારાસભ્ય બન્યા હતા. બાદમાં તેમણે ભાજપની ટિકિટ પર 2017 અને 2022ની વિધાનસભા ચૂંટણી જીતી હતી.

સપાએ ઉત્તર પ્રદેશના ફુલપુરથી પાર્ટીના સચિવ અમરનાથ મૌર્યને ટિકિટ આપી છે. અમરનાથ મૌર્ય લાંબા સમય સુધી બસપામાં હતા અને ત્યાર બાદ તેઓ ભાજપમાં પણ રહ્યા હતા. બસપાએ અહીંથી વરિષ્ઠ નેતા જગન્નાથ પાલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જગન્નાથ પાલ બીએસપીમાં ઘણા પદો પર રહી ચૂક્યા છે.

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી સાથે ગઠબંધન કરનાર પલ્લવી પટેલે અહીંથી મહિમા પટેલને ટિકિટ આપી છે.

પટેલ ઉમેદવારોનો દબદબો

1977માં કમલ બહુગુણા ચૂંટણી જીત્યા ત્યાર બાદથી અહીં પછાત જાતિના ઉમેદવારોનો જ દબદબો છે. 1977 પછી 2004માં અતીક અહેમદ અને 2009માં કપિલ મુનિ કરવરિયા ઉપરાંત અહીંથી માત્ર પછાત જાતિના ઉમેદવારોને જ જીત મળી છે. તેમાંથી પણ પટેલ સમાજના ઉમેદવારો આઠ વખત ચૂંટણી જીત્યા છે.

સપાનો પણ ગઠ રહી છે ફુલપુર બેઠક

1996થી 2004 સુધી અહીં સતત સમાજવાદી પાર્ટીને જીત મળી છે. સમાજવાદી પાર્ટીની જીતનો ક્રમ 2009માં બસપાના ઉમેદવાર કપિલ મુનિ કરવરિયાએ તોડ્યો હતો. 2009માં કરવરિયાએ સપા ઉમેદવાર શ્યામા ચરણ ગુપ્તાને 15,000 મતોના સામાન્ય માર્જિનથી હરાવ્યા હતા.

ફુલપુરનું જાતીય સમીકરણ

ફુલપુર લોકસભા મતવિસ્તારના જાતીય સમીકરણો પર નજર કરીએ તો રાજકીય પક્ષો પાસેથી મળેલા આંકડા પ્રમાણે અહીં કુલ મતદારોની સંખ્યા 20 લાખની આસપાસ છે. તેમાં 3 લાખથી વધુ કુર્મી મતદારો છે. મુસ્લિમ અને દલિત સમુદાયના મતદારો 2.5-2.5 લાખ છે. યાદવ મતદારોની સંખ્યા 2 લાખ છે. આ ઉપરાંત બ્રાહ્મણ અને કાયસ્થ જાતિના મતદારોની સંખ્યા પણ 2 લાખની આસપાસ છે. 

ફુલપુર લોકસભા મતવિસ્તારમાં પાંચ વિધાનસભા બેઠકો આવે છે. જેમાંથી 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ચાર બેઠક પર જીત મેળવી હતી જ્યારે એક બેઠક સપાના ફાળે ગઈ હતી. 


Google NewsGoogle News