સીમા હૈદર બાદ પાકિસ્તાનથી ભારત આવી જાવેરિયા ખાનુમ, જાન્યુઆરીમાં થશે લગ્ન
Image Source: Twitter
- મંગેતર સમીર ખાન અને તેના પરિવારના કેટલાક સદસ્યોએ ઢોલ-નગારા સાથે જાવેરિયા ખાનુમનું સ્વાગત કર્યું
નવી દિલ્હી, તા. 06 ડિસેમ્બર 2023, બુધવાર
Pakistan Javeria Khanum: સીમા હૈદર બાદ હવે કોલકાતા નિવાસી વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે જાવેરિયા ખાનુમ પાકિસ્તાનથી ભારત આવી છે. પાકિસ્તાની યુવતી જાવેરિયા ખાનુમ મંગળવારે વાઘા-અટારી આતંરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતમાં પ્રવેશ કર્યો છે. બંનેના લગ્ન આગામી વર્ષે જાન્યુઆરીમાં થશે. કરાચીની રહેનારી જાવેરિયા ખાનુમે અમૃતસર જિલ્લામાં અટારીથી ભારતીય સરહદમાં પ્રવેશ કર્યો છે. જ્યાં તેનો મંગેતર સમીર ખાન અને તેના પરિવારના કેટલાક સદસ્યોએ ઢોલ-નગારા સાથે તેમનું સ્વાગત કર્યું છે.
અગાઉ, ખાનુમની બે વિઝા અરજીઓ રદ કરી દીધી હતી અને કોરોના મહામારીના કારણે લગ્ન લગભગ પાંચ વર્ષ સુધી ટળ્યા બાદ તેને 45 દિવસના વિઝા આપવામાં આવ્યા છે. અટારીમાં કપલે સંક્ષિપ્ત વાતચીતમાં કહ્યું કે, લગ્ન આગામી વર્ષે જાન્યુઆરીમાં થશે. ખાનુમે કહ્યું કે, મને 45 દિવસના વિઝા આપવામાં આવ્યા છે. અહીં આવીને હું ખૂબ જ ખુશ છું. અહીં પહોંચતા જ મને ખૂબ પ્રેમ મળ્યો છે. જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં લગ્ન થશે.
બે વખત વીઝા મેળવવાનો પ્રયત્ન
તેમણે લગ્ન માટે ભારત યાત્રા શક્ય થવા પર પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, બે વખત વીઝા મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.પરંતુ ત્રીજા પ્રયાસમાં સફળતા મળી. તેમણે કહ્યું કે, આ એક સુખદ અંત છે અને ખુશીઓની શરૂઆત છે. ખાનુમે કહ્યું કે, પાકિસ્તાનમાં ઘરે તમામ લોકો ખુશ છે. મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે, મને વીઝા મળી ગયા છે.
મા ના ફોનમાં તસવીર જોઈને થઈ ગયો પ્રેમ
બંનેનો એક-બીજા સાથે કઈ રીતે સંપર્ક થયો એ વિશે સમીર ખાને જણાવ્યું કે, તેણે પોતાની માતાના મોબાઈલ ફોનમાં ખાનુમની તસવીર જોયા બાદ તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, આ બધુ મે 2018માં શરૂ થયુ હતું. હું મારો અભ્યાસ પૂરો કરીને જર્મનીથી ઘરે આવ્યો. મેં મારી માતાના ફોન પર તેની તસવીર જોઈ અને મારી ઈચ્છા વ્યક્ત કરી. મેં મારી માતાને કહ્યું કે હું જવેરિયા સાથે લગ્ન કરવા માંગુ છું. ખાને વીઝા માટે ભારત સરકારનો આભાર માન્યો.