ટાઈમ બોમ્બ બનાવવાના માસ્ટર માઈન્ડ જાવેદની ધરપકડ કરાઈ

Updated: Feb 16th, 2024


Google NewsGoogle News
ટાઈમ બોમ્બ બનાવવાના માસ્ટર માઈન્ડ જાવેદની ધરપકડ કરાઈ 1 - image


રમખાણોમાં બોમ્બનો ઉપયોગ થવાનો હતો

જાવેદ પાસેથી ચાર બોટલ બોમ્બ પણ જપ્ત, જંગલોમાં બોમ્બ નિષ્ક્રિય કરાયા, ઈમરાનાની પણ ધરપકડ

મેરઠ: ઉત્તર પ્રદેશમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)એ મુઝફ્ફરનગરની કાળી નદી પુલથી ટાઈમર બોમ્બ બનાવનારા માસ્ટર માઈન્ડ જાવેદની ધરપકડ કરી છે. તેની પાસેથી ચાર બોટલ બોમ્બ જપ્ત કરવામાં આવ્યા છે. આ બોમ્બ બંતીખેડા પોલીસ સ્ટેશન બાબરીની ઈમરાના માટે તૈયાર કરાયા હતા. એસટીએફે પાછળથી ઈમરાનાની પણ ધરપકડ કરી હતી.

ઈમરાનાએ બોમ્બ બનાવવા માટે રૂ. ૧૦ હજારની રકમ એડવાન્સમાં આપી હતી અને બાકીના રૂ. ૪૦ હજાર બોમ્બ મેળવ્યા પછી આપવાનું નક્કી થયું હતું. જાવેબ બોમ્બની ડિલિવરી કરવા માટે ઈમરાનાના ગામમાં જઈ રહ્યો હતો ત્યારે જ એસટીએફે તેને ઝડપી લીધો. ત્યાર પછી બોમ્બ સ્ક્વોડ ટુકડીને બોલાવી ન્યાઝુપુરાના જંગલોમાં બોમ્બ નિષ્ક્રિય કરાયા હતા. કોતવાલી પોલીસ સ્ટેશનમાં આઈબી, સૈન્ય ઈન્ટેલિજન્સ, એટીએસ અને અન્ય તપાસ એજન્સીઓએ જાવેદની પૂછપરછ શરૂ કરી છે. એસટીએફના એએસપી બૃજેશ સિંહે કહ્યું કે ટાઈમર બોમ્બ બનાવવાનો માસ્ટર માઈન્ડ જાવેદ મુઝફ્ફરનગરનો રહેવાસી છે.

બાતમીદારની બાતમીના આધારે એસટીએફે જાવેદની કોતવાલી પોલીસ સ્ટેશનના ક્ષેત્રના ચરથાવલ રોડ પર કાળી નદીના પુલથી સવારે ૧૦.૩૦ કલાકે ધરપકડ કરાઈ હતી. એએસપીએ જણાવ્યું કે જાવેદની પૂછપરછમાં જણાયું હતું કે, ચાર બોટલ બોમ્બ આઈઈડી છે, બોટલની અંદર ગન પાઉડર-૯૯૯, લોખંડની નાની ગોળીઓ, રૂ, પીઓપી વગેરે છે. જાવેદના કાકા અરર્શી મુઝફ્ફરનગરમાં ફટાકડા બનાવવાનું કામ કરે છે. તેમની પાસેથી દારૂગોળા અને બોટલ બોમ્બ બનાવવાનું કામ જાવેદ શીખ્યો હતો. કેટલીક માહિતી તેણે યુ-ટયૂબ અને ઈન્ટરનેટ પરથી મેળવી હતી. જોકે, આ બોમ્બનો ઉપયોગ ક્યાં થવાનો છે તેની માહિતી ઈમરાનાને છે. સૂત્રો મુજબ આ બોમ્બ રમખાણોના સમયમાં વાપરવાના હતા.


Google NewsGoogle News