ઉત્તરપ્રદેશમાં શું કબ્રસ્તાનમાં શિવલિંગ મળ્યું? હિન્દુ પક્ષે કહ્યું 150 વર્ષ જૂનું છે, પોલીસ તહેનાત
Image Source: Twitter
Jaunpur Shivling Found In Middle Of Cemetery: ઉત્તરપ્રદેશના જૌનપુરમાં કબ્રસ્તાન વચ્ચેથી શિવલિંગ મળી આવવાનો મામલો સામે આવ્યો છે. જેને લઈને એક પક્ષના લોકો શિવલિંગની સુરક્ષા માટે ચાર દિવાલ બનાવવાની માગ સાથે શહેર પોલીસ સ્ટેશનો પહોંચી ગયા હતા. ત્યારબાદ વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી.
હિન્દુ પક્ષે કહ્યું 150 વર્ષ જૂનું
એક પક્ષનું કહેવું છે કે, કબ્રસ્તાનમાં મળેલું શિવલિંગ લગભગ 150 વર્ષ જૂનું છે. તો બીજી તરફ બીજા પક્ષનું કહેવું છે કે, તે 15-20 વર્ષ જૂનું છે અને ત્યાં પ્રસંગોપાત ક્યારેક ક્યારેક પૂજાપાઠ થતી હતી. હાલ શાંતિ જાળવી રાખવા માટે ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીઓ સક્રિય
તમને જણાવી દઈએ કે, જૌનપુર શહેર પોલીસ સ્ટેશન હેઠળના મુલ્લા ટોલા મહોલ્લામાં સ્થિત કબ્રસ્તાનમાં શિવલિંગની સુરક્ષા માટે ચાર દિવાલ બનાવવાની માગ સાથે શુક્રવારે સાંજે એક પક્ષના કેટલાક લોકો જૌનપુર કોતવાલી પહોંચી ગયા હતા. આ અંગે સૂચના મળતાં જ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીઓ સક્રિય થઈ ગયા હતા. સિટી મેજિસ્ટ્રેટ ઇન્દ્ર નંદન સિંહ, સહાયક પોલીસ અધિક્ષક આયુષ શ્રીવાસ્તવ અને સિટી કોટવાલ મિથિલેશ મિશ્રા ભારે પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
પૂછપરછ દરમિયાન સ્થાનિક લોકોના એક પક્ષે જણાવ્યું કે, આ શિવલિંગ લગભગ 150 વર્ષ જૂનું છે. પહેલા એક વિશાળ પીપળનું ઝાડ હતું, તેની નીચે આ શિવલિંગ સ્થાપિત છે. વૃક્ષ પડયા બાદ શિવલિંગ ખુલ્લા આકાશની નીચે રહી ગયું, જેના કારણે તે હવે અસુરક્ષિત બની ગયું છે.
આ વિસ્તારમાં પરસ્પર કોઈ તણાવ નથી
1972માં બંને પક્ષો વચ્ચે સમજૂતી થઈ હતી કે, હિન્દુ સંગઠનના લોકો પૂજા ચાલુ રાખશે. બીજી તરફ બીજા પક્ષનું કહેવું છે કે, કબ્રસ્તાનની વચ્ચેનું શિવલિંગ 20-25 વર્ષ જૂનું છે. તેમનું એમ પણ કહેવું છે કે, તે પહેલા પીપળના ઝાડ નીચે હતું. પીપળનું ઝાડ પડી જતાં તે ખુલ્લું પડી ગયું છે. 99% મુસ્લિમ વસ્તી ધરાવતાં આ વિસ્તારમાં કબ્રસ્તાનની બાજુમાં હોળિકા દહન પણ કરવામાં આવે છે અને ક્યારેક-ક્યારેક લોકો શિવલિંગની પૂજા કરવા પણ આવે છે. અહીં પરસ્પર કોઈ તણાવ નથી.
પૂર્વ કાઉન્સિલર ફૈઝલ યાસીનનું કહેવું છે કે, અહીં શિવલિંગ મળવાની અફવા ખોટી છે. લોકો 2006થી પૂજા કરી રહ્યા છે. હોળિકા દહન પણ અહીં કબ્રસ્તાનની બાજુમાં થાય છે. અહીં કોઈ પરસ્પર તણાવ નથી.
શાંતિ જાળવી રાખવા માટે સ્થળ પર પોલીસ તહેનાત
બીજી તરફ સિટી મેજિસ્ટ્રેટ ઇન્દ્ર નંદન સિંહે કહ્યું કે, જૌનપુર શહેરના મુલ્લા ટોલા વિસ્તારના કબ્રસ્તાનમાં શિવલિંગનો મામલો સામે આવ્યો છે. સ્થળ પર જઈને સંયુક્ત નિરીક્ષણ કર્યું હતું. તેમાં બે પક્ષ છે. એક પક્ષનું કહેવું છે કે, અહીં શિવલિંગ અને મંદિર હતું. જે ઓરડા બનાવવામાં આવ્યા હતા તે પણ ધ્વસ્ત થઈ ગયા છે. હાલમાં શિવલિંગ ખુલ્લામાં છે. અમે ત્યાં બંધકામ કરવા માગીએ છીએ છે. વર્ષમાં બે-ત્રણ વખત પૂજા કરવાની બાબત અમારા ધ્યાને આવી છે. નિયમિત પૂજા-પાઠની કોઈ વાત સામે નથી આવી. હાલ શાંતિ જાળવવા માટે સ્થળ પર પોલીસ તહેનાત છે.
કેટલાક લોકો ખોટા સમાચાર ફેલાવી રહ્યા
બીજી તરફ પોલીસે સોશિયલ મીડિયા પર શિવલિંગને ક્ષતિગ્રસ્ત કરવાના સમાચારને ભ્રામક ગણાવ્યા છે. શહેરના અધિક પોલીસ અધિક્ષક અરવિંદ વર્માએ જણાવ્યું કે, આવો કોઈ મામલો નથી. કેટલાક લોકો ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે. સ્થળ પર કોઈ તણાવ નથી. સાવચેતીના ભાગરૂપે પોલીસ તહેનાત છે.