‘વાતો તો આદિવાસીની કરે છે અને...’ ભાજપે હેમંત સોરેન પરિવાર લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ
હેમંત સોરેન સામે ત્રણ કેસ, તેમાંથી તેઓ એક કેસમાં જ જેલમાં : રવિશંકર પ્રસાદ
સોરેને સેનાની જમીન હડપ કરી, નકલી ડોક્યુમેન્ટ બનાવી પત્નીના નામે જમીન ફાળવી
ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના નેતા હેમંત સોરેન (Hemant Soren)ની ધરપકડ બાદ ભાજપે સોરેન પરિવાર પર ગંભીર આક્ષેપ લગાવ્યો છે. BJPએ કહ્યું કે, જેએમએમ આદિવાસીઓના હિત સાથે રમત રમી રહી છે. તેઓ કાયદાના સકંજામાં ફસાયા બાદ પોતાને બચાવવા આદિવાસીઓના નામે રાજકારણ રમી રહ્યા છે. ખરા અર્થમાં કેન્દ્રની મોદી સરકાર આદિવાસીઓની સાચી હિતેચ્છુ છે.
સોરેને સેનાની જમીન હડપ કરી : ભાજપને આક્ષેપ
ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદે (Ravi Shankar Prasad) ગુરુવારે પત્રકાર પરિષદમાં કહ્યું કે, ‘ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ બાદ તેમના સમર્થકો આદિવાસી નેતાઓને હેરાન કરવાનો આરોપ લગાવી રહ્યા છે. આનાથી વિપરીત સત્ય એ છે કે, હેમંત સોરેન સામે ત્રણ કેસ ચાલી રહ્યા છે, જેમાંથી એક કેસમાં તેઓ જેલમાં ગયા છે. તેમના વિરુદ્ધ સરકારી જમીનની લૂંટ કરવાનો, ગેરકાયદે ખાણકામ અને કોલસાની ખાણોમાં કૌભાંડોનો કેસ છે. આ ત્રણેય કેસમાંથી એકમાં જ હાજર થયા છે. સોરેનના ઘરેથી 36 લાખ રૂપિયા મળ્યા છે. સોરેને સેનાની જમીન હડપ કરી. હેમંત સોરેન આદિવાસી સમાજમાંથી આવે છે તો શું તેમનું જમીન હડપવાનું જ કામ છે?’
નકલી ડોક્યુમેન્ટ બનાવી પત્નીના નામે જમીન ફાળવી : રવિશંકર પ્રસાદ
તેમણે કહ્યું કે, ‘ઝારખંડમાં મોટાપાયે માઈનિંગ કૌભાંડ થયું છે. સોરેનના સમયમાં ગેરકાયદે ખાણકામના 4992 કેસ સામે આવ્યા છે. લગભગ 1250 કરોડ રૂપિયાનું ગેરકાયદે ખાણકામ થયું છે. મુખ્યમંત્રી પદ પર હોવા છતાં તેમણે એક માઈનિંગ લીઝ પોતાના નામે ગ્રાન્ટ કરી લીધી. નકલી ડોક્યુમેન્ટ બનાવી પોતાની પત્નીના નામે જમીન ફાળવણી કરી દીધી. હેમંત સોરેન સંપૂર્ણ ભ્રષ્ટાચારમાં ડૂબેલા છે. હેમંત સોરેનનો આખો પરિવાર ભ્રષ્ટાચારમાં ડુબેલો છે. આ લોકો વાત તો આદિવાસીની કરે છે, પરંતુ તેમની જ જમીનો લૂંટવાનું કામ કરે છે.’
‘મોદી સરકારને આદિવાસી સમાજની ઘણી ચિંતા’
તેમણે કહ્યું કે, ‘નરેન્દ્ર મોદીની સરકાર આદિવાસી સમાજની ઘણી ચિંતા કરે છે. આદિવાસી સમાજમાંથી આવનાર દ્રૌપદી મુર્મૂને દેશના સર્વોચ્ચ પદ રાષ્ટ્રપતિ પદ પર બેસાડ્યા, જે વડાપ્રધાન મોદીનું વિઝન દર્શાવે છે. લોકો સામે બિરસા મુંડાના યોગદાનને સામે લાવવા પાછળ પણ વડાપ્રધાનની મોટી ભૂમિકા છે. તેમણે આદિવાસી સમાજની ચિંતા કરી અલગથી પંચની રચના કરી છે. ’