ટેક્નોલોજી માટે જાણીતાં જાપાનના SLIM એ ચંદ્ર પર એ કરી બતાવ્યું જે ચંદ્રયાન-3 નહોતું કરી શક્યું
જાપાનના સ્લિમે ચંદ્રની ભયાનક ઠંડીવાળી રાતમાં સર્વાઈવ કરી લીધું
image : Twitter |
Japan moon mission updates | જાપાનના સ્લિમ મૂન પ્રોબ (SLIM Moon Probe) એ કામ કરી બતાવ્યું છે જે આપણા ISRO નું ચંદ્રયાન-3 (Chandrayaan-3) પણ ન કરી શક્યું. જાપાનના સ્લિમે ચંદ્રની ભયાનક ઠંડીવાળી રાતમાં સર્વાઈવ કરી લીધું છે. આ રાત વીતી ગયા બાદ તેણે જાપાની સ્પેસ એજન્સીનો સંપર્ક કર્યો હતો. તે 19 જાન્યુઆરી 2024 ના રોજ ચંદ્ર પર સૌથી સચોટ લેન્ડિંગ કરનાર દુનિયાનું પ્રથમ પ્રોબ બની ગયું હતું. બસ તે સીધું લેન્ડિંગ નહોતું કરી શક્યું અને પડી ગયું હતું. જોકે પછીથી તેને વિજ્ઞાનીઓએ ઊભું કરી દીધું હતું.
સ્પેસ એજન્સીના મેસેજનો આપ્યો જવાબ
જાપાની સ્પેસ એજન્સી JAXAએ ટ્વિટ કરીને જણાવ્યું કે અમે ગત રાતે SLIM ને એક મેસેજ મોકલ્યો હતો. તેણે એ મેસેજ રિસીવ કર્યા બાદ તેનો જવાબ પણ આપ્યો. એટલે કે અમારા સ્પેસક્રાફ્ટે ચંદ્રની સૌથી ભયાનક ઠંડીવાળી રાતમાં સર્વાઈવ કરી લીધું છે. તેણે કહ્યું કે અમારી આ વાતચીત થોડીક જ વાર માટે થઇ પણ તે આગળ ફરી જોડાય તેવી શક્યતા છે. તાપમાનમાં સુધારો થતાં તે ફરી સચોટ રીતે કામ કરશે.
JAXA એ કરી ટ્વિટ
જાપાની સ્પેસ એજન્સી JAXA એ ટ્વિટ કરીને જણાવ્યું કે સ્લિમ સાથે અમારો સંપર્ક તૂટી ગયો હતો પણ હવે ચંદ્ર પર બપોરનો સમય છે. કોમ્યુનિકેશન માટેના ડિવાઈસમાં તાપમાન વધુ છે. તાપમાન ઘટતાં જ અમે ફરી સંપર્ક સાધવાનો પ્રયાસ કરીશું. ઉલ્લેખનીય છે કે જાપાના સ્લિમ લેન્ડરે ચંદ્ર પર ટારગેટ લેન્ડિંગ સાઈટથી માત્ર 180 ફૂટના દાયરામાં લેન્ડિંગ કરી હતી.
ચંદ્રયાન-3 એક અઠવાડિયા જ કામ કરી શક્યું હતું
ઉલ્લેખનીય છે કે 1 ફેબ્રુઆરી 2024 ના રોજ સ્લિમ લેન્ડર ફરી હાઈબરનેશનમાં જતું રહ્યું. એટલે કે ચંદ્રની ઠંડીવાળી લાંબી રાતમાં સૂઇ ગયું. હવે તે ફરી જાગી ગયું છે પણ ઈસરોનું ચંદ્રયાન-3 આવું નહોતું કરી શક્યું. 23 ઓગસ્ટ 2023ના રોજ લેન્ડિંગ બાદ ચંદ્રયાન-3 મિશન એક અઠવાડિયા સુધી સક્રિય રહ્યું હતું. આ જગ્યાએ શિવ શક્તિ પોઇન્ટ નામ અપાયું હતું.