ભાજપ છોડી જનનાયક જનતા પાર્ટીમાં જોડાયેલા નેતાની ઘરની સામે જ ગોળી મારી હત્યા કરાઈ
JJP Leader Shot Dead : ગઈકાલે સાંજે હરિયાણાના પાણીપતમાં જનનાયક જનતા પાર્ટી (JJP) ના નેતા રવિન્દ્ર મિન્નાની અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારીને હત્યા કરી દેતા હરિયાણાના રાજકારણમાં હડકંપ મચી ગયું. પોલીસે જણાવ્યું કે આ ઘટના પાણીપતના વિકાસ નગર વિસ્તારમાં બની હતી અને તેમાં બે અન્ય લોકો ઘાયલ થયા છે. રવિન્દ્ર મિન્નાએ 2014ની હરિયાણા વિધાનસભા ચૂંટણી લડી હતી. તેઓ જેજેપીની ટિકિટ પર જ આ ચૂંટણી લડ્યા હતા. પરંતુ પછીથી તેમણે ભાજપના ઉમેદવારને સમર્થન જાહેર કરતાં ભાજપમાં જોડાઇ જવાનો નિર્ણય લીધો હતો. જોકે થોડા સમય બાદ ફરી હૃદય પરિવર્તન થતાં તેઓ ફરી જનનાયક જનતા પાર્ટી (JJP) માં ઘરવાપસી કરી ગયા હતા.
ફાયરિંગની ઘટનામાં અન્ય બે લોકો ઘાયલ
પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના બાદ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પાણીપતના સેક્ટર-29 પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસર સુભાષે જણાવ્યું હતું કે, 'જેજેપી નેતા રવિન્દ્ર મિન્નાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.' અન્ય બે ઘાયલ થયા છે. અમે ઘટનાની તપાસ કરી રહ્યા છીએ.
ઘરની સામે જ ગોળીબાર
પોલીસે જણાવ્યું કે આ ઘટના શુક્રવારે પાણીપતના વિકાસ નગર વિસ્તારમાં બની હતી. જ્યાં JJP નેતા રવિન્દ્ર મિન્ના તેમના ઘરની નજીકમાં જ ઊભા હતા. ત્યારબાદ હુમલાખોરે તકનો લાભ લઇ તેમના પર ગોળીબાર કર્યો. ગોળી વાગતાં જેજેપી નેતા ઢળી પડ્યા. જ્યારે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ સાથે પોલીસે જણાવ્યું કે આ ગોળીબારની ઘટનામાં તેમનો પિતરાઈ ભાઈ અને અન્ય એક વ્યક્તિ પણ ઘાયલ થયા હતા.
હત્યાનું કારણ જાણી શકાયું નથી
રવિન્દ્ર મિન્ના હરિયાણાના પાણીપત જિલ્લાના જનનાયક જનતા પાર્ટી (જેજેપી) ના નેતા હતા. તેઓ જેજેપીના સક્રિય સભ્ય હતા અને પાર્ટી માટે કામ કરતા હતા. JJP નેતાની હત્યાએ હરિયાણાના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. હુમલાખોરોની ઓળખ કે હત્યા પાછળના કારણો હજુ સુધી જાહેર થયા નથી.