જનતાએ નવી લોકસભામાં 251 ક્રિમિનલ ચૂંટીને મોકલ્યા, એડીઆરના રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ
Lok Sabha Elections Result 2024 | લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે. ભાજપના નેતૃત્વમાં એનડીએ સતત ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે. જોકે, ભાજપે અગાઉની બે લોકસભા ચૂંટણીઓથી વિપરિત બહુમતીના આંકથી ઘણા દૂર 240 બેઠકથી જ સંતોષ માનવો પડયો છે. હવે નવી લોકસભાની રચનાની તૈયારી થઈ રહી છે ત્યારે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે જનતાએ આ ચૂંટણીમાં 251 ક્રિમિનલ્સ અને 504 કરોડપતિઓને ચૂંટીને મોકલ્યા છે.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)એ 2024ની લોકસભા ચૂંટણી જીતનારા 543 વિજેતા ઉમેદવારોના સોગંદનામાનું વિશ્લેષણ કરીને ગુરુવારે એક રિપોર્ટ જાહેર કર્યો છે. એડીઆરે જણાવ્યું છે કે 18મી લોકસભા ચૂંટણીમાં નવા ચૂંટાયેલા 543 સભ્યોમાંથી 46 ટકા એટલે કે 251 સામે ક્રિમિનલ કેસ નોંધાયા છે. આ સાથે સ્વતંત્ર ભારતમાં અત્યાર સુધીમાં આ લોકસભામાં ગુનાઈત પૃષ્ઠભૂમિ ધરાવતા સૌથી વધુ ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે.
આ લોકસભામાં જીતીને આવેલા 251 ક્રિમિનલમાંથી 170 સામે ગંભીર પ્રકારના ગૂનાના કેસ નોંધાયેલા છે, જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, મહિલાઓ વિરુદ્ધ ગુના અને નફરતી ભાષણો સંબંધિત આરોપોનો સમાવેશ થાય છે. 27 ઉમેદવારોએ તેમની સામે ગુનાઈત કેસો પુરવાર થઈ ગયા હોવાનું જાહેર કર્યું છે. ચાર ઉમેદવારોએ તેમના પર હત્યાના કેસ જ્યારે 27 વિજેતા ઉમેદવારોએ તેમના વિરુદ્ધ હત્યાનો પ્રયાસના કેસ નોંધાયા હોવાનું જાહેર કર્યું છે. 15 વિજેતા સાંસદોએ મહિલાઓ વિરુદ્ધ અત્યાચારના કેસ નોંધાયા હોવાનું જણાવ્યું છે. એ જ રીતે બે વિજેતા ઉમેદવારે તેમના વિરુદ્ધ બળાત્કારના કેસ નોંધાયા હોવાનું પણ જણાવ્યંપ છે.
એ જ રીતે આ લોકસભામાં 543માંથી 93 ટકા એટલે કે 504 વિજેતા ઉમેદવાર કરોડપતિ છે. સૌથી વધુ 227 કરોડપતિ વિજેતા સાંસદો ભાજપમાં છે. બીજા ક્રમે કોંગ્રેસ છે, જેના 92સાંસદો કરોડપતિ છે. ચૂંટણી સોગંદનામામાં આ ઉમેદવારોએ રૂ. 1 કરોડથી વધુની સંપત્તિ જાહેર કરી છે. લોકસભા ચૂંટણીના દરેક વિજેતા ઉમેદવાર પાસે સરેરાશ રૂ. 46.34 કરોડની સંપત્તિ છે. વર્ષ 2014માં 475 વિજેતા સાંસદો (82 ટકા) અને 2019માં 443 વિજેતા સાંસદો (88 ટકા) કરોડપતિ હતા.
સૌથી ધનિક સાંસદમાં આંધ્ર પ્રદેશની ગુંટુર બેઠક પરથી ચૂંટાયેલા ટીડીપીના ચંદ્રશેખર પેમ્માસાનિ, જેમની સંપત્તિ રૂ. 5705 કરોડ છે. બીજા ક્રમે તેલંગણાના ચેવેલામાંથી ભાજપના વિશ્વેશ્વર રેડ્ડી છે, જેમની સંપત્તિ રૂ. 4568 કરોડ છે. ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને હરિયાણાની કુરુક્ષેત્ર બેઠક પરથી જીતનારા નવીન જિંદાલ રૂ. 1241 કરોડની સંપત્તિ સાથે ટોચના ત્રણ સાંસદોમાં ત્રીજા ક્રમે છે.
પક્ષવાર સ્થિતિ જોઈએ તો ભાજપના 240 (95 ટકા) વિજેતા ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ. 50.04 કરોડ છે. કોંગ્રેસના 99માંથી 93 ટકા નવનિયુક્ત સાંસદો કરોડપતિ છે. વધુમાં કેટલાક પક્ષો એવા છે જેમાં બધા જ સાંસદો કરોડપતિ છે. આ પક્ષોમાં ટીડીપી, શિવસેના (યુબીટી), શિવસેના, લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ), રાજદ, આમ આદમી પાર્ટી, ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લિગ અને એનસીપીનો સમાવેશ થાય છે. જોકે,ચૂંટણીમાં આ પક્ષો ઓછી બેઠકો જીત્યા છે.
વધુમાં એડીઆરના રિપોર્ટમાં 18મી લોકસભાના વિજેતા સાંસદોની શૈક્ષણિક યોગ્યતાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે મુજબ 543માંથી 105 (19 ટકા) ઉમેદવારોએ ૫મા અને ૧૨મા ધોરણ વચ્ચે અભ્યાસ કર્યો છે. ૧૭ વિજેતા ઉમેદવારો ડિપ્લોમા ધરાવે છે. આ સિવાય એડીઆરના રિપોર્ટ મુજબ 543 વિજેતા સાંસદોમાંથી માત્ર 74 (14 ટકા) મહિલાઓ છે. આ પહેલાં 2019માં 77 મહિલાઓ વિજેતા થઈ હતી.
ક્રિમિનલ કેસ નોંધાયા હોય તેવા સાંસદો
પક્ષ |
વિજેતા |
ગુનાઈત કેસવાળા |
ટકા |
- |
- |
ઉમેદવાર |
- |
ભાજપ |
૨૪૦ |
૯૪ |
૩૯ ટકા |
કોંગ્રેસ |
૯૯ |
૪૯ |
૪૯ ટકા |
સપા |
૩૭ |
૨૧ |
૫૭ ટકા |
તૃણમૂલ |
૨૯ |
૧૩ |
૪૫ ટકા |
ડીએમકે |
૨૨ |
૧૩ |
૫૯ ટકા |
ટીડીપી |
૧૬ |
૮ |
૫૦ ટકા |
શિવસેના |
૭ |
૫ |
૫૭ ટકા |
નવા ચૂંટાયેલા ધનવાન સાંસદો
સંપત્તિ |
વિજેતા સાંસદ |
ટકા |
રૂ. ૧૦ કરોડથી વધુ |
૨૨૭ |
૪૨ ટકા |
રૂ. ૫થી ૧૦ કરોડ |
૧૦૩ |
૧૯ ટકા |
રૂ. ૧થી ૫ કરોડ |
૧૭૪ |
૩૨ ટકા |
રૂ. ૨૦ લાખથી ૧ કરોડ |
૩૫ |
૬ ટકા |
રૂ. ૨૦ લાખથી ઓછી |
૪ |
૧ ટકા |