ભારતીય સૈન્યએ આતંકી પકડ્યો, ભારે માત્રામાં હથિયારો કબજે લીધા, ટારગેટ કિલિંગની ઘટના નિષ્ફળ બનાવી
Image Twitter |
Jammu Terrorism : ઉત્તર કાશ્મીરના બાંદીપોરામાં સુરક્ષા દળોએ શનિવારે એક સ્થાનિક આતંકવાદીની ધરપકડ કરીને ટાર્ગેટ કિલિંગની ઘટનાને નિષ્ફળ બનાવી હતી. હાલમાં તેની પૂછપરછ ચાલી રહી છે. મળતી માહિતી મુજબ બાંદીપોરા પોલીસને જાણકારી મળી હતી કે, થોડા દિવસો પહેલા એક સ્થાનિક યુવક આતંકી સંગઠનમાં સક્રિય થયો હતો. તે બાંદીપોરામાં ટાર્ગેટ કિલિંગને અંજામ આપી શકે છે.
આતંકવાદી પાસેથી હથિયારો મળી આવ્યા
સૂત્રોએ જણાવ્યા પ્રમાણે પોલીસે સંભવિત ઠેકાણાઓ પર નજર રાખવાનું શરૂ કર્યુ છે. બાંદીપોરામાં કેટલાક રસ્તાઓ પર વિશેષ ચોકીઓ પણ લગાવવામાં આવી હતી. સાંજે સાત વાગ્યે નાકા પાર્ટીએ એક યુવકને રસ્તા પર ચાલતો જોયો. નાકા પાર્ટી તેને રોકવાનો સંકેત આપે તે પહેલા જ યુવકે રસ્તો બદલીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
એક પિસ્તોલ, એક હેન્ડ ગ્રેનેડ અને 15 કારતુસ મળી આવ્યા
તેને દોડતો જોઈને નાકા પાર્ટીએ તેનો પીછો કરીને તેને ગોળીબાર કરવાની તક આપ્યા વિના પકડી લીધો હતો. તેની ઓળખ વશિમ અહેમદ મલિક તરીકે થઈ છે. તે ગુંડપોરા રામપોરા બાંદીપોરાનો રહેવાસી છે. તેની પાસેથી એક પિસ્તોલ, એક હેન્ડ ગ્રેનેડ અને 15 કારતુસ મળી આવ્યા હતા.