પઠાણકોટમાં શંકાસ્પદ આતંકવાદીઓ દેખાતા જમ્મુમાં સેના હાઈ એલર્ટ પર, આર્મી સ્કૂલો બંધ

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
પઠાણકોટમાં શંકાસ્પદ આતંકવાદીઓ દેખાતા જમ્મુમાં સેના હાઈ એલર્ટ પર, આર્મી સ્કૂલો બંધ 1 - image


Image PTI

High Alert in Jammu: ભારતના અભિન્ન ભાગ જમ્મુ-કાશ્મીરમાં ફરી આંતકી પ્રવૃતિઓ વધી ગઈ છે. રાજ્યમાં એક બાદ એક આતંકવાદી હુમલાઓ થઈ રહ્યાં છે અને ભારતીય સેનાને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. ફરી આજે જમ્મુ વિસ્તારમાં સેના હાઈ એલર્ટ પર છે. પંજાબના પઠાણકોટ જિલ્લામાં કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓ જોવા મળતા સેના હાઈ એલર્ટ મોડ પર છે. 

અહેવાલ મુજબ એક મહિલાએ ઈનપુટ આપતા સેના એલર્ટ મોડમાં છે. મહિલાએ સાત સંદિગ્ધ વ્યક્તિઓ આપેલી જાણકારી વિશ્વાસનીય લાગતા સેનાએ તપાસ શરૂ કરી છે અને તાજેતરના આતંકી ઘટનાક્રમ બાદ આ ઈનપુટને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. સેના દ્વારા જમ્મુમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સેના દ્વારા સાવચેતીના પગલા તરીકે જમ્મુમાં આર્મી સ્કૂલોને શનિવાર સુધી બંધ કરી દેવામાં આવી છે. આર્મી અને ડિફેન્સ મથકો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ સિવાય પંજાબ પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિનો સ્કેચ પણ જાહેર કર્યો છે જેના વિશે લોકો પાસેથી માહિતી માંગવામાં આવી છે.

છેલ્લા કેટલાય સમયથી જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓની ઘૂસણખોરીના પ્રયાસો ચાલુ છે. પાકિસ્તાન અન્ડરગ્રાઉન્ડ અને ક્રોસ બોર્ડર ટનલ થકી આતંકવાદીઓને ભારતમાં નાપાક હરકતો કરવા મોકલી રહ્યું છે. આ ટનલોની શોધખોળ માટે સાંબા સેક્ટરમાં ઈન્ટરનેશનલ બોર્ડર પર સર્ચ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે મોટી સંખ્યામાં પોલીસ અને ઉચ્ચ ટેક્નોલોજી સાધનોથી સજ્જ સુરક્ષાકર્મીઓ તપાસમાં લાગ્યા છે. આ ઓપરેશનમાં સરહદી વિસ્તારોની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. ઉપરાંત, ગીચ ઝાડીઓ અને જંગલ વિસ્તારો પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

50થી 60 આતંકીઓ ઘૂસ્યા :

ઓપરેશનમાં સામેલ એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 'સરહદ પારથી થતી સુરંગ મારફતે થતી ઘુસણખોરી ચકાસવા એક ખાસ મિશન હાથ ધરવામાં આવી રહ્યું છે. સર્ચ ઓપરેશનમાં ડ્રોનનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. સુરક્ષા દળો સુરંગની આશંકાને પગલે ગીચ ઝાડીવાળા વિસ્તારોને સાફ કરી રહ્યા છે. પાકિસ્તાન સ્પોન્સર્ડ આતંકવાદીઓ આંતરરાષ્ટ્રીય સરહદ દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસણખોરી કરી રહ્યા છે. આ આતંકવાદીઓ હુમલા કરવા ભારતમાં મોકલાય છે. છેલ્લા કેટલાક મહિનામાં 50થી 60 વિદેશી આતંકવાદીઓ આંતરરાષ્ટ્રીય સરહદ અને લાઈન ઓફ કન્ટ્રોલ દ્વારા જમ્મુમાં ઘૂસણખોરી કરી ચૂક્યાં છે.’

વધુ વાંચો : નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી અમેરિકાએ ભારતને છંછેડ્યો, કહ્યું - 'આ 2 રાજ્યમાં ન જતા..'


Google NewsGoogle News