દિવાળીએ જ ભાજપને લાગ્યો મોટો આંચકો, પ્રચંડ બહુમતથી જીતનારા દિગ્ગજ ધારાસભ્યનું નિધન
Devendra Singh Rana died | જમ્મુ-કાશ્મીરની નગરોટા વિધાનસભા બેઠકના ધારાસભ્ય દેવેન્દ્ર સિંહ રાણા અને ભાજપના દિગ્ગજ નેતા દેવેન્દ્ર સિંહ રાણાનું નિધન થઈ ગયું છે. આ સમાચાર ભાજપ માટે એક મોટો ઝટકો મનાઈ રહ્યા છે. તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં, ભાજપના ધારાસભ્યએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને નગરોટા બેઠક પરથી જંગી મતો સાથે જીત મેળવી હતી.
જમ્મુ-કાશ્મીરમાં મચ્યો ખળભળાટ
દેવેન્દ્ર રાણા ભાજપના કદાવર નેતાઓમાં સામેલ હતા. દેવેન્દ્ર કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહના નાના ભાઈ પણ હતા. મળતી માહિતી મુજબ તેમણે ફરીદાબાદની એક હોસ્પિટલમાં બુધવારે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. દિગ્ગજ નેતાના નિધનથી જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. મહેબૂબા મુફ્તી સહિત અનેક નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
મહેબૂબા મુફ્તી પણ થયા દુઃખી
એક્સ પર પોસ્ટ કરતાં મહેબૂબા મુફ્તીએ લખ્યું કે દેવેન્દ્ર રાણાના આકસ્મિક નિધન વિશે સાંભળીને હું તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. જ્યારે કોંગ્રેસ (જમ્મુ અને કાશ્મીર) એ લખ્યું કે નગરોટાના ધારાસભ્ય દેવેન્દ્ર સિંહ રાણાના નિધનથી દુઃખી અને આઘાતમાં છીએ. તેઓ એક મજબૂત નેતા હતા.
30472 મતોથી જીત્યા હતા
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં દેવેન્દ્ર સિંહ રાણાને 48113 મત મળ્યા હતા. જ્યારે NC ઉમેદવાર જોગીન્દર સિંહને 17641 વોટ મળ્યા હતા. આ રીતે દેવેન્દ્ર સિંહે 30472 મતોથી જંગી જીત મેળવી હતી. જ્યારે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર બલબીર સિંહને 6979 વોટ મળ્યા હતા.