Get The App

'200 યુનિટ ફ્રી વીજળી, ગરીબોને વર્ષમાં 12 સિલિન્ડર', PDPના વડાં મહેબૂબા મુફ્તીની જાહેરાત

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
Mehbooba Mufti


Jammu and Kashmir Election: જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. આ દરમિયાન પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) વડાં મહેબૂબા મુફ્તીએ શ્રીનગરમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે, 'અમે સમાધાન અને વાતચીત ઈચ્છીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે PoJKમાં શારદા પીઠ તીર્થસ્થળનો રસ્તો ખુલ્લો કરવામાં આવે જેથી કાશ્મીરી પંડિતો ત્યાં જઈ શકે.' આ ઉપરાંત તેમણે જમ્મુ-કાશ્મીરમાં મંદિરો, મસ્જિદો અને દરગાહને ફ્રી વીજળી આપવાની પણ જાહેરાત કરી હતી.

પીડીપીના વડાં મહેબૂબા મુફ્તીએ શું જાહેરાત કરી?

પીડીપીના વડાં મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, 'અમે 200 યુનિટ સુધી ફ્રી વીજળી આપીશું, અમે પાણી પરનો ટેક્સ નાબૂદ કરવા માંગીએ છીએ, પાણી માટે મીટર ન હોવા જોઈએ. ગરીબો માટે કે જેમના ઘરમાં 1થી 6 લોકો છે, અમે મુફ્તી મોહમ્મદ સઈદ યોજના ફરીથી લાગુ કરવા માંગીએ છીએ. અમે એક વર્ષમાં ગરીબોને 12 સિલિન્ડર આપીશું અને વૃદ્ધાવસ્થા પેન્શન અને વિધવા પેન્શનને પણ બમણું કરીશું.'

આ પણ વાંચો : મહેબૂબા મુફ્તીની પુત્રીનું પોલિટિકલ ડેબ્યૂ, કાશ્મીરની ચૂંટણીમાં પીડીપીએ જાહેર કરી 8 ઉમેદવારની પહેલી યાદી

'કાશ્મીરનો મુદ્દો જીવીત છે'

મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, 'અનુચ્છેદ 370 એ જમ્મુ-કાશ્મીર અને બાકીના દેશ વચ્ચેનો સેતુ હતો, પરંતુ તે પુલ હવે જતો રહ્યો છે. ભાજપ સરકારે અલગતાવાદીઓને જેલમાં ધકેલી દીધા છે. તેઓએ યાદ રાખવું જોઈએ કે તેમના જ નેતાઓ અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી યાસીન મલિક, શબ્બીર શાહ અને મીરવાઈઝ ફારૂકને મળ્યા હતા. તેને જેલમાં નાખવો એ કોઈ ઉકેલ નથી, કાશ્મીરનો મુદ્દો હજુ જીવીત છે, નહીંતર એન્જિનિયર રાશિદ જીત્યા ન હોત.'

મહેબૂબા મુફ્તીના સ્થાને તેમની પુત્રી ચૂંટણી લડશે

ઉલ્લેખનીય છે કે, આ વખતે પીડીપી વડાં મહેબૂબા મુફ્તીના સ્થાને તેમની પુત્રી ઇલ્તિજા મુફ્તી ચૂંટણી લડી છે. ઇલ્તિજા મુફ્તી બિજબિહારા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. મહેબૂબા મુફ્તીએ આ સીટ પરથી 1996માં પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડી હતી. 

જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. પહેલા તબક્કાનું મતદાન 18મી સપ્ટેમ્બર, બીજા તબક્કાનું મતદાન 25મી સપ્ટેમ્બર અને ત્રીજા તબક્કાનું મતદાન પહેલી ઑક્ટોબરે થશે. પરિણામ ચોથી ઑક્ટોબરે જાહેર થશે.

'200 યુનિટ ફ્રી વીજળી, ગરીબોને વર્ષમાં 12 સિલિન્ડર', PDPના વડાં મહેબૂબા મુફ્તીની જાહેરાત 2 - image


Google NewsGoogle News