VIDEO : બાંદીપોરામાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર, બે જવાનો ઘાયલ
Bandipora Encounter : જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરામાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર આડેધડ ફાયરિંગ કર્યા બાદ આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે ભારે અથડામણ ચાલી રહી છે. સેનાના જવાનોએ કેટસુના વિસ્તારમાં આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપતા આતંકીઓ જંગલમાં ભાગી ગયા છે. હાલ મળતા અહેવાલો મુજબ જવાનોએ એક આતંકવાદીને ઠાર કર્યો છે, તો બીજીતરફ બે જવાનો પણ ઘાયલ થયા છે. હાલ બંને તરફથી ફાયરિંગ ચાલી રહ્યું છે.
આતંકવાદીઓ જંગલમાં ભાગ્યા
મળતા અહેવાલો મુજબ, કેટસુના વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ સેનાના જવાનોએ આખા વિસ્તારો ઘેરો કરી લીધો છે. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર આડેધડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પછી આતંકવાદીઓ કેટસુન પાસેના જંગલમાં ભાગી જતા જવાનોએ તેમનો પીછો કરતી વખતે એક આતંકીને ઠાર કર્યો છે. હાલ બંને તરફથી ગોળીબાર ચાલી રહ્યો છે, જેમાં બે જવાનો પણ ઘાયલ થયા છે.
કેટસુના વિસ્તારમાં ભારે બંદોબસ્ત તહેનાત
બાંદીપોરા પોલીસ અને આસામ રાઈફલ્સ-26ની ટીમ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપી રહી છે. હાલ કેટસુના વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ છે અને અહીં ભારે બંદોબસ્ત પણ તહેનાત કરવામાં આવ્યો છે. હાલ મળતા અહેવાલો મુજબ જવાનો અને આતંકીઓ વચ્ચે ભારે અથડામણ ચાલી રહી છે.
આતંકીઓને સાથ આપનારની ધરપકડ
બીજીતરફ પોલીસે હંદવાડા વિસ્તારમાંથી આતંકવાદીઓને સાથ આપનાર આશિક હુસૈન વાનીની ધરપકડ કરી છે. પોલીસે વાની પાસેથી એક પિસ્તોલ, એક મેગેઝીન અને સાત જીવાત કારતુસ કબજે કર્યા છે. ઝડપાયેલા આરોપી વિરુદ્ધ FIR નોંધી પૂછપરછ કરવામાં આવી રહી છે.