જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષા દળો સાથે અથડામણમાં બે આતંકવાદી ઠાર, ઓપરેશન ચાલુ
Baramulla Encounter: ઉત્તર કાશ્મીરના સોપોરમાં આજે આતંકવાદી અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ હતી. આ અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. એક પોલીસ કર્મચારી અને જવાન ઘાયલ થયા હોવાની પણ માહિતી મળી રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઓપરેશન હજુ ચાલુ છે.
ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના હાદીપોરા સોપોર વિસ્તારમાં આજે સુરક્ષા દળો અને આતંકવાદી વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ હતી. તેમાં અત્યાર સુધીમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા હોવાની માહિતી મળી રહી છે. એક ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, હાદીપોરામાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે જેમની હજુ સુધી ઓળખ નથી થઈ શકી.
બાંદીપોરામાં ઠાર કર્યો હતો એક આતંકવાદી
આ અગાઉ સોમવારે ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં અથડામણમાં એક આતંકવાદીને ઠાર કરી દેવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં બે આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ સુરક્ષા દળોએ ઓપરેશન ચલાવ્યુ હતું.
અથડામણ બાંદીપોરાના અરાગમ વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે શરૂ થઈ હતી. સુરક્ષા દળોએ વિસ્તારને ચારેય બાજુથી ઘેરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ડ્રોન દ્વારા વિસ્તારમાં આતંકવાદીના મૃતદેહની જાણ થઈ હતી. ઠાર કરવામાં આવેલ આતંકવાદીના હાથમાં M4 રાઈફલ પણ મળી આવી હતી.