કિશ્તવાડમાં આતંકી હુમલો, ભયંકર અથડામણમાં સેનાના બે જવાન શહીદ, બે ઘાયલ, કઠુઆમાં બે આતંકી ઠાર
File Photo |
Jammu and Kahsmir Encounter News : જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભયંકર અથડામણ દરમિયાન બે જવાન શહીદ થયો છે. જ્યારે બે જવાનો ઘાયલ થયા છે. કિશ્તવાડના ચટરુ વિસ્તારમાં આ એન્કાઉન્ટર ત્યારે શરૂ થયું હતું જ્યારે સુરક્ષા દળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન કઠુઆ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અન્ય એક અથડામણમાં જવાનોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. અથડામણમાં નાયબ સૂબેદાર વિપિન કુમાર અને કોન્સ્ટેબલ અરવિંદ સિંહ શહીદ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.
સુરક્ષા દળોએ વિસ્તારનો ઘેરો કર્યો
ભારતીય સેનાએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને આ વિસ્તારમાં હજુ પણ ઓપરેશન ચાલુ છે. સેના અને આતંકવાદીઓ વચ્ચે આ અથડામણ કિશ્તવાડના ચત્રુ વિસ્તારમાં થઈ હતી. ઘાયલ સુરક્ષાકર્મીઓમાંથી એકને સારવાર માટે નજીકની કમાન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેઓ શહીદ થયા છે. જ્યારે અન્ય ત્રણને સ્થાનિક સારવાર આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો : ડેન્જર ઝોન છતાં ચેતવણીનું બોર્ડ કેમ નહીં.. ગાંધીનગરમાં તંત્રની બેદરકારીની ભેટ ચઢ્યાં 8 યુવાન!
જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી પણ નજીક
ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં આ મહિનાની 18 તારીખે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવા સમયે આતંકવાદીઓ ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ડોડા, કિશ્તવાડ અને રામબન જિલ્લાની આઠ વિધાનસભા સીટ પર 18 સપ્ટેમ્બરે મતદાન થવાનું છે. આ સાથે જ દક્ષિણ કાશ્મીરના અનંતનાગ, પુલવામા, શોપિયાં અને કુલગામ જિલ્લાની 16 બેઠકો પર પણ મતદાન થવાનું છે.
ક્યાં ક્યાં થયા ઓપરેશન?
અહેવાલ અનુસાર શુક્રવારે કિશ્તવાડ જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. આ એન્કાઉન્ટર પિંગનાલ દુગડ્ડા જંગલ વિસ્તારમાં ચાલી રહ્યું હતું. આ એન્કાઉન્ટર પહેલા, જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લાના સુરનકોટ શહેરમાં પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ એક આતંકવાદીને શોધવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું કે 12 સપ્ટેમ્બર 2024ના રોજ ચોક્કસ માહિતીના આધારે પોલીસ, સેના અને CRPFએ ચમરાડ સુરનકોટના સામાન્ય વિસ્તારમાં સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.