Get The App

જમ્મુમાં ફરી આતંકી હુમલો, અખનૂરમાં સૈન્યની એમ્બ્યુલન્સ પર અંધાધૂંધ ગોળીબારથી ખળભળાટ

Updated: Oct 28th, 2024


Google NewsGoogle News
જમ્મુમાં ફરી આતંકી હુમલો, અખનૂરમાં સૈન્યની એમ્બ્યુલન્સ પર અંધાધૂંધ ગોળીબારથી ખળભળાટ 1 - image


Image Source: Twitter

Terrorist Attack in Jammu: જમ્મુમાંથી ફરી એક વખત આતંકવાદી હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે. સોમવારે જમ્મુના અખનૂરમાં સૈન્યની એમ્બ્યુલન્સ પર આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો છે. ગોળીબાર બાદ સમગ્ર વિસ્તારને સુરક્ષા દળોએ ઘેરી લીધું છે. અખનૂરમાં સૈન્યની એમ્બ્યુલન્સ પર અંધાધૂંધ ગોળીબારથી ખળભળાટ મચી ગયો છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે જમ્મુ-કાશ્મીરના અખનૂર શહેરના જોગવાન વિસ્તારમાં સોમવારે સવારે સૈન્યની એક એમ્બ્યુલન્સ જઈ રહી હતી. ત્યારે આતંકવાદીઓના એક જૂથે તેના પર ગોળીબાર કર્યો હતો. આ ઘટના બાદ પોલીસ અને સેના એલર્ટ થઈ ગઈ છે અને સમગ્ર વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.


15-20 રાઉન્ડ ફાયરિંગ

આ આતંકવાદી હુમલો આજે સવારે 7:25 વાગ્યે જોગવાનમાં શિવસન મંદિર પાસે બટ્ટલ વિસ્તારમાં થયો હતો. ત્રણથી ચાર આતંકવાદીઓએ એમ્બ્યુલન્સ અને બીજા વાહનો પર 15-20 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જો કે, આ હુમલામાં કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા.

આ પહેલા પણ થયો હતો આતંકવાદી હુમલો

આ પહેલા ગુરુવારે પર્યટકોનું આકર્ષણ કેન્દ્ર ગુલમર્ગથી 6 કિમી દૂર બોટા પથરી વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા સૈન્ય વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આતંકવાદીઓના ગોળીબારમાં બે સૈનિકો અને એક કૂલીના મોત થઈ ગયા હતા અને એક સૈનિક તથા એક કૂલી ઘાયલ થયા હોવાના અહેવાલ છે. શુક્રવારે સુરક્ષા દળોએ ગુલમર્ગ સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર અને વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન માટે ડ્રોન અને હેલિકોપ્ટર તહેનાત કર્યા હતા. બારામુલ્લાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) મોહમ્મદ ઝૈદ મલિકે જણાવ્યું હતું કે, બોટા પથરી હુમલામાં અમને મળેલા પુરાવા પ્રમાણે હુમલામાં 3-4 આતંકવાદીઓ સામેલ હતા.

આ પણ વાંચો: Road Show: વડોદરામાં નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાનનો ખુલ્લી જીપમાં ભવ્ય રોડ શો, લોકોની ભીડ ઉમટી

જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં વધારો

તમને જણાવી દઈએ કે, કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનામાં આતંકવાદી હુમલામાં નોંધપાત્ર વધારો થયો છે. ગત અઠવાડિયે સેન્ટ્રલ કાશ્મીરના ગંદેરબલ જિલ્લાના ગગનગીર વિસ્તારમાં ઝેડ-મોડ ટનલ કન્સ્ટ્રક્શન સાઈટ પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં છ મજૂરો અને એક સ્થાનિક ડૉક્ટરનું મોત થઈ ગયું હતું. આ પહેલા 18 ઓક્ટોબરના રોજ બિહારના એક મજૂરની શોપિયાં જિલ્લામાં આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી.


Google NewsGoogle News