જમ્મુ-કાશ્મીરના સોપોરમાં ફરી એન્કાઉન્ટર, સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશનમાં 1 આતંકીને ઠાર કર્યો
Image Source: Twitter
Sopore Encounter: જમ્મુ-કાશ્મીરના સોપારમાં ફરી એન્કાઉન્ટર શરૂ થયું છે.સોપોરના જંગલોમાં શનિવારે સાંજે એન્કાઉન્ટર દરમિયાન એક આતંકવાદીને ઠાર કરી દેવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, સુરક્ષાદળો હજુ પણ વિસ્તારમાં છુપાયેલા અન્ય આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.
એક આતંકવાદી ઠાર
શનિવારે સાંજે સુરક્ષા દળોને વિસ્તારમાં આતંકવાદીઓની ગતિવિધિની સૂચના મળ્યા બાદ રામપુર-રાજપુરના જંગલોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જ્યારે સંયુક્ત ટીમ સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી ત્યારે તેમના પર આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. ગોળીબાર શરૂ થતા જ સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરી હતી. ત્યારબાદ એનકાઉન્ટર શરૂ થયું જેમાં એક આંતકવાદીને ઠાર કરી દેવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રોએ આ ઘટનાક્રમની પુષ્ટિ કરી અને કહ્યું કે, આતંકવાદીની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એક પોલીસ અધિકારીએ આ મામલે જણાવ્યું કે, અમે હજુ પણ ઓળખની પ્રક્રિયા કરી રહ્યા છે, પછી 'ભલે તે સ્થાનિક હોય કે વિદેશી.'
બે આતંકવાદીઓ હોવાની સૂચના મળી હતી
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 'એન્કાઉન્ટરમાં ઠાર થયેલ આતંકવાદી એ જ વ્યક્તિ હોઈ શકે છે જે તાજેતરમાં જ બાંદીપૂરામાં થયેલા એન્કાઉન્ટરમાંથી ભાગી નીકળ્યો હતો.' 6 નવેમ્બરના રોજ બાંદીપુરાના કૈતસન જંગલોમાં થયેલા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર થયો હતો. પોલીસનું કહેવું છે કે, અમને વિસ્તારમાં બે આતંકવાદીઓ હોવાની સૂચના મળી હતી અને તેમાંથી એક ભાગવામાં સફળ રહ્યો હતો. કૈતસન જંગલ રામપુર-રાજપુર જંગલોની નજીક છે.
રામપુર-રાજપુરના જંગલ સોપોર અને બાંદીપુરાની સરહદ પર સ્થિત છે. આ જંગલ એક તરફ સોપોર અને બીજી તરફ બાંદીપુરા તથા ત્રીજી તરફ કુપવાડાની સરહદી લોલાબ ઘાટી સાથે જોડાયેલા છે, જે પરંપરાગત રીતે ઘૂસણખોરીનો માર્ગ રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં સોપોરમાં આ બીજુ આતંકવાદ વિરોધી અભિયાન છે, જે એક સમયે આતંકવાદીઓનો ગઢ હતો. શુક્રવારે સોપોરના સાગીપોરા ગામમાં એન્કાઉન્ટર દરમિયાન બે આતંકવાદીઓ ઠાર થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, આ બંને પાકિસ્તાની નાગરિક હતા.