રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરને લગતા બે બિલ પણ પાસ થયા.. જાણો આનાથી ઘાટીમાં કેટલું પરિવર્તન આવશે
જમ્મુ-કાશ્મીર સાથે સંબંધિત બે બિલ બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યા છે
અમિત શાહે કહ્યું કે આ બિલથી નવા અને વિકસિત કાશ્મીરની શરૂઆત થઇ છે
Jammu and Kashmir: જમ્મુ અને કાશ્મીર સાથે સંબંધિત બે બિલ પહેલા લોકસભામાંથી અને ત્યારબાદ સોમવારે રાજ્યસભામાંથી પણ પાસ થયા છે. ત્યારબાદ હવે રાષ્ટપતિની મંજુરી બાદ કાયદો પણ બની જશે. અમિત શાહે સોમવારે આ બિલ રાજ્યસભામાં રજુ કરતા કહ્યું હતું કે, આ બિલના કારણે નવા અને વિકસિત કાશ્મીરની શરૂઆત થશે, જે આતંકવાદથી આઝાદ હશે. તેમજ 75 વર્ષોથી પોતાના અધિકારોથી વંચિત લોકોને ન્યાય મળશે.
ક્યા છે બે બિલ?
બંને બિલ પૈકી એક બિલ જમ્મુ-કાશ્મીર રિઝર્વેશન (અમેંડમેન્ટ) બિલ છે, જે વંચિત અને OBC વર્ગ માટે અનામતની જોગવાઈ કરે છે. જયારે બીજું બિલ જમ્મુ-કાશ્મીર રિઓર્ગેનાઈઝેશન (અમેંડમેન્ટ) બિલ છે, જે વિધાનસભામાં કાશ્મીરી પ્રવાસીઓ અને POKમાંથી વિસ્થાપિત થયેલા લોકો માટે બેઠકો અનામત રાખવા અને વંચિત વર્ગોને અનામત આપવાની જોગવાઈ છે.
બંને બિલમાં શું છે જોગવાઈ?
જમ્મુ-કાશ્મીર રિઝર્વેશન (અમેંડમેન્ટ) બિલ, 2023
આ બિલ SC-ST અને OBC વર્ગ માટે સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની જોગવાઈ કરે છે. બિલમાં સામાજિક અને આર્થિક રૂપે પછાતની વ્યાખ્યા કરતા કહેવામાં આવ્યું છે કે, LOCની નજીક આવતા ગામ અને આંતરરાષ્ટ્રીય સીમાની પાસે હોય તેવા ગામોને સરકારે પછાત જાહેર કાર્ય છે.
જમ્મુ-કાશ્મીર રિઓર્ગેનાઈઝેશન (અમેંડમેન્ટ) બિલ, 2023
આ બિલ જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં સીટ વધારવાની જોગવાઈ કરે છે. લદ્દાખ અલગ થવાથી જમ્મુ-કાશ્મીરમાં 83 સીટ બચી હતી. જયારે હવે આ બિલ પાસ થતા 90 સીટ થશે. જમ્મુમાં 6 અને કાશ્મીરમાં 1 સીટ વધશે, એટલે કે જમ્મુ ક્ષેત્રમાં 43 અને કાશ્મીર ક્ષેત્રમાં 47 સીટ થઇ જશે. તેમજ આ કુલ 90 સીટ ઉપરાંત 2 સીટ કાશ્મીરી પ્રવાસીઓ અને 1 સીટ POKમાંથી વિસ્થાપિત થયેલા લોકો માટે અનામત રાખવામાં આવશે. કાશ્મીરી પ્રવાસી માટે 2 માંથી 1 સીટ મહિલાઓ માટે અનામત હશે. જેને ઉપરાજ્યપાલ દ્વારા નામાંકિત કરવામાં આવશે.
બિલમાં પ્રવાસી કાશ્મીરીની વ્યાખ્યા કરતા કહ્યું છે કે, 1 નવેમ્બર 1989 પછી ઘાટી કે જમ્મુ-કાશ્મીરના કોઈપણ ભાગથી સ્થળાંતર કર્યું હોય અને તેમનું નામ રીલીફ કમીશનમાં રજીસ્ટર હોય. આ ઉપરાંત અનુસૂચિત જાતિ (SC)અને અનુસુચિત જનજાતિ (ST) માટે 16 સીટ અનામત રાખી છે. જેમાંથી SC માટે 7 અને ST માટે 9 સીટ ફાળવવામાં આવી છે. પહેલાની જેમ જ POK માટે 24 સીટ હશે. જ્યાં ચુંટણી કરાવી શકાશે નહિ. જેથી હવે કુલ 117 સીટ થઇ જશે.
ક્યાં ક્યાં સીટમાં વધારો થશે?
જમ્મુ ક્ષેત્રમાં સાંબા, કઠુઆ, રાજૌરી, કિશ્તવાડ, ડોડા અને ઉધમપુરમાં એક-એક સીટ વધારવામાં આવી છે. જમ્મુના સાંબામાં રામગઢ, કઠુઆમાં જસરોટા, રાજૌરીમાં થન્નામંડી, કિશ્તવાડમાં પેડર-નાગસેની, ડોડામાં ડોડા પશ્ચિમ અને ઉધમપુરમાં રામનગર નવા ઉમેરવામાં આવ્યા છે.
કાશ્મીર પ્રદેશમાં કુપવાડા જિલ્લામાં એક સીટ વધારવામાં આવી છે. કાશ્મીર ક્ષેત્રમાં કુપવાડા જિલ્લામાં એક સીટનો વધારો કરવામાં આવ્યો છે. કુપવાડામાં ત્રેહગામ નવી સીટ હશે. હવે કુપવાડામાં 5ને બદલે 6 સીટ થશે.
ચુંટણી કેટલા સમયમાં થશે?
2014માં જમ્મુ-કાશ્મીરમાં ચુંટણી યોજાઈ હતી. જેમાં 87 સીટમાંથી PDP એ 28, BJP એ 25, નેશનલ કોન્ફેંસે 15 અને કોંગ્રેસે 12 સીટ જીતી હતી. ત્યારબાદ PDP અને BJP બંનેએ મળીને સરકાર બનાવી હતી. જેમાં મુફ્તી મોહમ્મદ સઈદ મુખ્યમંત્રી બન્યા હતા. જાન્યુઆરી 2016માં મોહમ્મદ સઈદનું મૃત્યુ થતા 4 મહિના સુધી રાજ્યપાલ શાસન લાગુ રહ્યું. ત્યારબાદ તેમના દીકરી મહેબુબા મુફ્તી મુખ્યમંત્રી બન્યા. પરંતુ 19 જૂન 2018માં PDP અને BJPની સરકારનું ગઠબંધન તૂટ્યું અને ફરી રાજ્યપાલ શાસન લાગુ થયું. હાલ જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. આર્ટિકલ-370 રદ કર્યા બાદ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સાકરને 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં વિધાનસભાની ચુંટણી કરવાનો આદેશ આપ્યો છે.