પૂંછમાં વાયુસેનાના કાફલા પર તોઈબાના ચાર આતંકીએ હુમલો કર્યો હતો, સાજિદ જટે આપી હતી તાલીમ
Terrorist Attack in Jammu Kashmir: જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં શનિવારે (ચોથી મે) ભારતીય વાયુસેના (IAF)ના કાફલા પર આતંકી હુમલો થયો હતો. જેમાં એક જવાન શહીદ થયો હતો, જ્યારે ચાર જવાન ઘાયલ થયા હતા. હવે આ મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ભારતીય વાયુસેના કાફલા પર હુમલો કરનારા લશ્કર-એ-તોઈબાના ચાર આતંકીઓને તાલીમ સાજિદ જટે આપી હતી.
આતંકીઓને શોધવા સર્ચ ઓપરેશન શરૂ
સૂત્રોના જણાવ્યાનુસાર, જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં એરફોર્સના કાફલા પર હુમલો શનિવારે સાંજે લગભગ 6 વાગ્યાની આસપાસ થયો હતો. હાલમાં એરફોર્સની ગરુડ ફોર્સ, ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. અહેવાલો અનુસાર, આ વિસ્તારમાં લગભગ 17 આતંકીઓ સાજિદ જટ જૂથના છે.
આતંકીઓ જંગલમાં છુપાયા હોવાની આશંકા
સેનાના અધિકારીઓને આશંકા છે કે, પૂંછમાં એ જ આતંકી જૂથે હુમલો કર્યો છે, જેમણે 21મી ડિસેમ્બર 2023માં બુફલિયાઝમાં સેનાના જવાનો પર હુમલો કર્યો હતો, જેમાં ચાર જવાનો શહીદ થયા હતા અને ત્રણ ઘાયલ થયા હતા. પૂંછમાં વાયુસેનાના વાહનોના કાફલા પર હુમલો કરીને આતંકીઓ નજીકના જંગલમાં ભાગી ગયા હતા.