'ભેળપુરી ખાતા સમયે પૂછ્યું તમે મુસ્લિમ છો? પછી ગોળી મારી દીધી', પહલગામમાં આતંકી હુમલા સમયે શું બન્યું?
Jammu Kashmir News: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો છે. બેસરન ઘાટીમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ અને સ્થાનિક લોકો પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું અને 12 લોકો ઘાયલ થયા છે, જેમાં પ્રવાસીઓ અને સ્થાનિકો સામેલ છે. આ હુમલો અમરનાથ યાત્રા શરૂ થવાના થોડા મહિના અગાઉ બની છે, જેનાથી સુરક્ષા ચિંતા વધી ગઈ છે. પહલગામ આતંકવાદી હુમલાના પ્રત્યક્ષદર્શીઓએ ઘટનાનું વર્ણન કર્યું હતું. આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન ટીઆરએફએ લીધી છે.
ભેળપુરી ખાઈ રહ્યા હતા અને આતંકવાદીઓએ પતિને ગોળી મારી દીધી
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં એક મહિલાના પતિને ગોળી મારી દેવાઈ. હુમલા બાદ કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં સ્થાનિક લોકો અને પ્રવાસીઓને ભાગતા જોઈ શકાય છે. એવો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક મહિલા રડતી રડતી કહી રહી છે કે, આતંકવાદીઓએ તેમના પતિને ગોળી મારી દીધી. આ પહેલા આતંકવાદીઓએ તેમને પૂછ્યું કે શું તેઓ મુસ્લિમ છે? મહિલાએ જણાવ્યું કે, તેઓ પોતાના પતિની સાથે ભેળપુરી ખાઈ રહી હતી, ત્યારે એક આતંકવાદી આવ્યો અને તેણે પૂછ્યું કે મુસ્લિમ છો? અને તેમના પતિને ગોળી મારી દીધી.
મારા પતિને બચાવી લો: મહિલાની અપીલ
પહેલગામથી આવેલા વીડિયોમાં એક મહિલા સ્થાનિક લોકોને પોતાના પતિને બચાવવાની અપીલ કરતી નજરે પડી રહી છે. આ ભાવુક અપીલથી સમગ્ર દેશમાં સહાનુભૂતિની લહેર પેદા થઈ છે. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, આતંકવાદીઓએ પહેલા નામ પૂછ્યા અને પછી ગોળીઓ ચલાવી હતી.