Get The App

ઓમર અબ્દુલ્લા માટે જમ્મુ કાશ્મીરમાં સરકાર ચલાવવી સરળ નહીં! જાણો અસલી 'પાવર' કોની પાસે રહેશે?

Updated: Oct 16th, 2024


Google NewsGoogle News
Congress-NC


Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ ફરી ચૂંટાયેલી સરકાર સત્તામાં આવશે. વિધાનસભા ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધને 48 બેઠકો પર જીત હાંસલ કરી બહુમતી મેળવી છે. વિજય બાદ નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ એલાન કર્યું છે કે ઓમર અબ્દુલ્લા મુખ્યમંત્રી બનશે. જો કે, રાજ્યમાં હવે તેવી સ્થિતિ નથી છે જેવી પહેલા હતી. જાન્યુઆરી 2009થી જાન્યુઆરી 2015 સુધી ઓમર અબ્દુલ્લા રાજ્યના મુખ્યમંત્રી હતા, ત્યારે જમ્મુ-કાશ્મીર પૂર્ણ રાજ્ય હતું અને તેનું પોતાનું બંધારણ હતું. જો કે, હવે જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ છે. હવે સરકાર ઉપરાજ્યપાલની મંજૂરી અને આદેશ વગર મોટા નિર્ણયો લઇ શકશે નહીં.

જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ જ રહેશે

2019માં સંસદમાં જમ્મુ-કાશ્મીર રિ-ઓર્ગેનાઇઝેશન બિલ પાસ થયું હતું. જેના પરિણામે રાજ્યને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે ભાગમાં વહેંચી બે અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા છે, જ્યારે લદ્દાખમાં વિધાનસભા નથી. બંધારણના આર્ટિકલ 239 મુજબ, દરેક કેન્દ્ર શાસિત પ્રદેશનું વહિવટ રાષ્ટ્રપતિ પાસે હશે અને રાષ્ટ્રપતિ દરેક કેન્દ્ર શાસિત પ્રદેશમાં એક સંચાલક નિયુક્ત કરશે. અંદમાન-નિકોબાર, દિલ્હી, પુડ્ડુચેરી અને જમ્મુ-કાશ્મીરમાં ઉપ-રાજ્યપાલ હોય છે જ્યારે દમણ દીવ અને દાદરા નગર હવેલી, લક્ષદ્વીપ, ચંડીગઢ અને લદ્દાખમાં સંચાલક હોય છે.

આ પણ વાંચોઃ કાશ્મીરમાં બે જવાનોના અપહરણ, એક માંડ બચ્યો પણ બીજાને ગોળીઓથી વીંધી નાખતા ખળભળાટ

વિધાનસભા પાસે શું સત્તાઓ હશે?

1947માં જ્યારે જમ્મુ-કાશ્મીર ભારતમાં જોડાયો ત્યારે તેની પાસે રક્ષા, વિદેશી મુદ્દા અને સંચાર સિવાય અન્ય તમામ બાબતો અંગે કાયદો બનાવવાનો અધિકાર હતો. જો કે, આર્ટિકલ 370 રદ થયા બાદ ત્યાં ઉપરાજ્યપાલની ભૂમિકા સરકારથી વધી ગઇ છે. 2019નો કાયદો કહે છે કે, પોલીસ અને કાયદા વ્યવસ્થા સિવાય જમ્મુ-કાશ્મીર વિધાનસભા કોઇ પણ બાબતે કાયદો બનાવી શકે છે, પરંતુ તે કાયદાની અસર કેન્દ્રીય કાયદા પર ન પડવી જોઇએ. આ ઉપરાંત કોઇ પણ બિલ કે સંશોધન ત્યાં સુધી વિધાનસભામાં રજૂ નહી કરી શકાય જ્યાં સુધી રાજ્યપાલ તેને મંજૂરી ના આપી દે.

ઉપરાજ્યપાલની સત્તાઓ

જમ્મુ-કાશ્મીરમાં ઉપરાજ્યપાલ પાસે અનેક સત્તાઓ છે. સરકારની પાસે પોલીસ અને કાયદા વ્યવસ્થા સિવાય અન્ય બાબતો અંગે કાયદો બનાવવાનો અધિકાર હોવા છતાં તે કાયદાને અમલમાં લાવવા માટે ઉપ રાજ્યપાલની મંજૂરી અનિવાર્ય છે. આ સિવાય ઉપરાજ્યપાલનું અમલદારશાહી અને એન્ટી કરપ્શન બ્યૂરો પર પણ નિયંત્રણ હશે. આમ કોઇ પણ સરકારી અધિકારીની બદલ અથવા પોસ્ટિંગ માટે ઉપરાજ્યપાલની મંજૂરી લેવી પડશે.

આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ-NCનો વિજય પણ ભાજપે આપ્યો સૌથી મોટો આંચકો, જાણો કઈ રીતે

સરકાર મંત્રી પરિષદની સલાહ ન લેવા બદલ ઉપરાજ્યપાલના કોઇ પણ નિર્ણયની કાયદેસરતા પર સવાલ ઉઠાવી શકશે નહીં અથવા તેમના નિર્ણયને આ આધારે કોર્ટમાં પડકાર પણ આપી શકાશે નહીં. ચૂંટણી પહેલા જ ઉપરાજ્યપાલને એડવોકેટ જનરલ અને કાયદા અધિકારીની નિમણૂક કરવાનો અધિકાર પણ મળી ગયો છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર વિધાનસભાનું કાર્યકાળ પહેલાં 6 વર્ષ હતું જો કે હવે અહીં પણ સરકારનો કાર્યકાળ પાંચ વર્ષ જ ચાલશે પછી ફરી ચૂંટણી યોજવામાં આવશે.


Google NewsGoogle News