જમ્મુ-કાશ્મીરમાં વરસાદ-હિમવર્ષા આફત બન્યાં, ભૂસ્ખલનથી અનેક મકાનો ધરાશાયી, સ્કૂલો બંધ કરાઈ
Image Source: Twitter
Jammu Kashmir Landslide: જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે જનજીવન મુશ્કેલીમાં મૂકાઈ ગયુ છે.રાજ્યમાં ત્રણ ડઝનથી વધુ મકાનો ધરાશાયી થઈ ગયા છે છે અને ઘણા મકાનો ધરાશાયી થવાના આરે છે. બારામુલ્લા, કિશ્તવાડ અને રિયાસી જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું છે.
કિશ્તવાડમાં 12 ઘરો ચપેટમાં
બીજી તરફ કિશ્તવાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે 12 મકાનોને નુકસાન થયું છે જેના કારણે અધિકારીઓએ ડિઝાસ્ટર રિસ્પોન્સ મશીનરીને હાઈ એલર્ટ પર રાખવી પડી છે. આ અંગે એક સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું કે છેલ્લા ચાર દિવસથી વિસ્તારમાં પડી રહેલા ભારે વરસાદ વચ્ચે વહીવટીતંત્રએ ડિઝાસ્ટર રિસ્પોન્સ મશીનરીને હાઈ એલર્ટ પર મૂકી દીધી છે. તેમણે કહ્યું કે સંબંધિત તહસીલદારોના અહેવાલોમાં તહસીલ નાગસેની, મુગલમેદાન અને કિશ્તવાડ વિસ્તારોમાં લગભગ એક ડઝન મકાનોને નુકસાન થયું હોવાના સંકેત આપ્યા છે.
સ્કૂલો બંધ કરાઈ
હવામાન વિભાગે મંગળવારે પણ મોટાભાગના વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદની આગાહી કરી છે. આવી સ્થિતિમાં મંગળવારે કાશ્મીરમાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કાશ્મીરમાં મંગળવારે યોજાનારી જુનિયર આસિસ્ટન્ટની ટાઈપ પરીક્ષા પણ સ્થગિત કરી દેવામાં આવી છે. જમ્મુ-શ્રીનગર હાઈવે અંગે અધિકારીઓએ યાત્રીઓને જ્યાં સુધી કાટમાળ સાફ ન થાય ત્યાં સુધી હાઈવે પર મુસાફરી ટાળવાની સલાહ આપી છે.
કિશ્તવાડ જિલ્લામાં રેડ એલર્ટ
પહાડી અને દૂરના અનેક વિસ્તારોના રસ્તાઓ તૂટવાને કારણે અને ભૂસ્ખલનને કારણે જિલ્લા મુખ્યાલયોથી સંપર્ક તૂટી ગયો છે. કિશ્તવાડ જિલ્લામાં રેડ એલર્ટ છે.
#WATCH | Jammu & Kashmir: Several houses were damaged due to a landslide in Bedar village in the Mandi area of Poonch. pic.twitter.com/US8H9V4A6p
— ANI (@ANI) April 30, 2024
ડોડા, રામબન અને રિયાસીના ગુલાબગઢમાં ચાર લોકો નદી-નાળાઓમાં વહી ગયા છે જેમાંથી બેના મૃતદેહ મળી આવ્યા છે. ભૂસ્ખલન અને મકાન ધરાશાયી તથા સ્લીપ મારી જવાના કારણે બસ ખાઈમાં પડી જતાં 12 બાળકો સહિત 22 લોકો ઘાયલ થઈ ગયા છે.
મુગલ રોડ પર વાહન વ્યવહાર ઠપ
રામબન જિલ્લામાં જમ્મુ-શ્રીનગર હાઈવે પર અડધા ડઝન જગ્યાએ ભૂસ્ખલન થયું છે અને તેના કારણે વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. પુંછના રસ્તે કાશ્મીરને જોડતો મુગલ રોડ પહેલાથી જ બંધ છે.
બીજી તરફ ગુલમર્ગ સહિત કાશ્મીરના મોટાભાગના પર્વતો બરફથી ઢંકાઈ ગયા છે. ઉત્તર અને મધ્ય કાશ્મીરમાં હિમપ્રપાતનો ખતરો વધી ગયો છે. સોમવારે બપોરે સોનમર્ગમાં હિમસ્ખલન થયું હતું. આ ઘટના જ્યાં બની તે જંગલ વિસ્તાર છે તેથી કોઈ જાનહાનિ નહોતી થઈ.
બીજી તરફ જમ્મુમાં પણ દિવસભર વરસાદ પડ્યો હતો. રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા વરસાદને કારણે નદી-નાળાઓના જળસ્તરમાં વધારો થયો છે. કુપવાડામાં પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 336 પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
ગુલાબગઢમાં ચાર માળનું મકાન ધરાશાયી
ગુલાબગઢમાં ભૂસ્ખલનના કારણે ચાર માળનું મકાન ધરાશાયી થઈ ગયુ હતું. પૂંચ જિલ્લામાં પણ ત્રણ મકાનો ધરાશાયી થયા છે. પુંછના જ મંડીમાંસ્કૂલના બાળકોથી ભરેલી બસ ખાઈમાં ખાબકી ગઈ હતી જેમાં 12 બાળકો ઘાયલ થયા હતા.