જમ્મુ-કાશ્મીર : ઈદગાહ બાદ કુપવાડામાં પણ સેનાની મોટી કાર્યવાહી, ઘૂસણખોરી કરી રહેલો આતંકવાદી ઠાર
ભારતીય સેનાએ કુપવાડામાં ઘૂસણખોરી રહેલા આતંકવાદીને ઠાર કર્યો
ઈદગાહમાં પણ સેના-આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં 1 ઈન્સ્પેક્ટર ઈજાગ્રસ્ત
કુપવાડા, તા.29 ઓક્ટોબર-2023, રવિવાર
જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)માં આજે ઈદગાહ (Eidgah) બાદ કુપવાડા (Kupwara)માં પણ ભારતીય સેના અને આતંકવાદી વચ્ચે અથડામણ થઈ છે. સેનાએ કુપવાડામાં આતંકવાદીના ઘૂસણખોરી કરવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. તો આ અગાઉ ઈદગારમાં પણ એક આતંકવાદી હુમલો થયો, જેમાં ધડાધડ ફાયરિંગમાં એક પોલીસ કર્મચારી ઈજાગ્રસ થયો છે.
સેનાએ કુપવાડામાં ઘૂસણખોરી રહેલા આતંકવાદીને ઠાર કર્યો
કુપવાડાની વાત કરીએ તો આતંકવાદીઓએ આજે ફરી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે સેનાને આતંકવાદી ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવા અંગેની માહિતી મળતા જ સેના તુરંત સ્થળ પર પહોંચી હતી. સેનાએ તુરંત કાર્યવાહી કરી એક આતંકવાદીનો સફાયો કરવાની સાથે આતંકવાદીની ઘૂસણખોરીનો પ્રયાસ પણ નિષ્ફળ બનાવ્યો છે. આ અગાઉ તાજેતરમાં જ કુપવાડામાં સેનાએ 5 આતંકવાદીઓને ઠાર કર્યા હતા, ત્યારે પણ સેનાએ આતંકવાદીઓની ઘૂસણખોરી નિષ્ફળ બનાવી હતી.
ઈદગાહમાં સેના-આતંકીઓ વચ્ચે અથડામણ, ઈન્સ્પેક્ટર ઈજાગ્રસ્ત
દરમિયાન આજે ઈદગાહમાં પણ આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણ થઈ છે, જેમાં આતંકવાદીઓએ બંદુકથી સેના પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ ફાયરિંગમાં ઈન્સ્પેક્ટર મસરૂરને ગોળી વાગી છે. ટીઆરએફ-લશ્કરએ આ હુમલા (Terror Attack)ની જવાબદારી લીધી છે, જોકે પોલીસ વધુ માહિતી એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે અને આસપાસના સીસીટીવી ફુટેજો પણ તપાસ કરી રહી છે. મહત્વની વાત એ છે કે, પોલીસ ઈન્સ્પેક્ટર ક્રિકેટ રમી રહ્યા હતા, તે દરમિયાન આતંકવાદીઓ હુમલાને અંજામ આપ્યો.
છેલ્લા પાંચ વર્ષ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિમાં ઘટાડો : DGP
જમ્મુ-કાશ્મીરના DGP દ્વારા તાજેતરમાં એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષના આંકડાઓ પર નજર કરવામાં આવે તો આ વર્ષોમાં આતંકવાદી પ્રવૃત્તિમાં ઘટાડો જોવા મળ્યો છે. ઉપરાંત તેમણે કહ્યું કે, પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરીની ઝડપમાં વધારો થયો છે. 31 ઓક્ટોબરના રોજ હાલ જમ્મુ-કાશ્મીર DGP તરીકે ફરજ બજાવતા દિલબાગ સિંહ રીટાયર થવાના છે આ પહેલા તેમણે જમ્મુ-કાશ્મીરમાં પાછલા પાંચ વર્ષમાં થયેલી પોલીસ કાર્યવાહી અંગે જાણકારી આપી હતી.