બારામુલામાં ત્રણ આતંકી ઠાર, PM મોદીની ચૂંટણી સભા પહેલા સેના-પોલીસનું સંયુક્ત ઓપરેશન
Image: IANS |
Jammu-Kashmir terrorists encounter : જમ્મુ-કાશ્મીરમાં વડાપ્રધાન મોદીની રેલી પહેલાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ શરૂ છે. સેના અને પોલીસના સંયુક્ત ઓપરેશનથી બારામુલામાં ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ દરમિયાન ગઈકાલે વિપિન કુમાર અને સિપાહી અરવિંદ સિંહ નામના બે જવાનો શહીદ થયા અને અન્ય બે જવાનો ઈજાગ્રસ્ત થયા હતાં. આ તમામ આતંકવાદીઓ બારામુલાની એક સ્કૂલમાં છુપાયા હતા.
ત્રણ આતંકવાદીઓને કર્યાં ઠાર
બારામુલા જિલ્લામાં ક્રેરીના ચક ટાપર વિસ્તારમાં શુક્રવારે (13 સપ્ટેમ્બર) રાત્રે 11 વાગ્યાની આસપાસ ઘર્ષણ શરૂ થયું હતું. મોડી રાત્રે ઓપરેશન રોકવામાં આવ્યું હતું અને આજે સવારે સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને ઠાર કરી દીધાં છે.
ઓપરેશન દરમિયાન કર્યું એન્કાઉન્ટર
કિશ્તવાડના ચતરૂ બેલ્ટના નૈદધામ ગામમાં શુક્રવારે બપોરે 3:30 વાગ્યે ઘર્ષણ શરૂ થયું હતો. સેનાને જૈશ-એ-મોહમ્મદ ના 3 આતંકવાદીઓની ખુફિયા જાણકારી મળી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન સેનાએ આતંકવાદીઓનું એન્કાઉન્ટર કર્યું હતું.
સેનાએ આપી જાણકારી
કઠુઆમાં બે આતંકવાદીઓને ઠાર કરીને હથિયાર જપ્ત કરવામાં આવ્યા હતાં. આ પહેલાં પણ કઠુઆના ખંડારામાં સેનાએ ઓપરેશન કર્યું હતું. અહીં રાઇઝિંગ સ્ટાર કોરના સૈનિકોએ બે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યાં હતાં. સેનાએ X પર પોસ્ટ કરી આ વાતની જાણકારી આપી છે. આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે.
સુરક્ષાદળોએ ઉધમપુરમાં 11 સપ્ટેમ્બરે 3 આતંકવાદીઓને માર્યાં હતાં. સેનાએ જણાવ્યું કે, આર્મીના ફર્સ્ટ પેરાના જવાનોને ઉધમપુરના ખંડરા ટોપના જંગલોમાં 2-3 આતંકવાદીઓ સંતાયેલા છે તેવી સૂચના મળી હતી. આશરે ચાર કલાકના એન્કાઉન્ટર બાદ આતંકવાદીઓને ઠાર કરાયા હતાં.
વડાપ્રધાનની રેલી
કિશ્તવાડ સહિત 3 જિલ્લામાં 18 સપ્ટેમ્બરથી ચૂંટણી છે. જેના પ્રચાર માટે 14 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી મેગા રેલીને સંબોધિત કરશે. જેનાથી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત થશે. વડાપ્રધાન મોદી ઘાટીના ત્રણ જિલ્લા ડોડા, કિશ્તવાડ અને રામબનની 8 વિધાનસભા બેઠકના ઉમેદવારો માટે મતદાનની અપીલ કરશે. આ ત્રણેય જગ્યાએ 18 સપ્ટેમ્બરે ચૂંટણીના પહેલાં તબક્કાનું મતદાન શરૂ થશે.
જમ્મુ-કાશ્મીરની 90 વિધાનસભા બેઠક પર કુલ ત્રણ તબક્કામાં ચૂંટણી થશે. બીજા તબક્કાનું મતદાન 25 સપ્ટેમ્બર અને ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થશે. 8 ઓક્ટોબરે ચૂંટણીના પરિણામ આવશે. જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે. છેલ્લીવાર 2014 માં વિધાનસભાની ચૂંટણી થઈ હતી.