જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીના ભણકારાં! યાસીન મલિક સહિત ઘણાં આતંકી સંગઠનો પર મૂકાયો પ્રતિબંધ

- અગાઉ 12 માર્ચના રોજ સરકારે જમ્મુ-કાશ્મીર નેશનલ ફ્રન્ટને ગેરકાયદેસર સંગઠન ગણાવીને તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો

Updated: Mar 16th, 2024


Google NewsGoogle News
જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીના ભણકારાં! યાસીન મલિક સહિત ઘણાં આતંકી સંગઠનો પર મૂકાયો પ્રતિબંધ 1 - image


Image Source: Twitter

શ્રીનગર, તા. 16 માર્ચ 2024, શનિવાર

કેન્દ્ર સરકારે આજે યાસીન મલિકના આતંકવાદી સંગઠન જેકેએલએફ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને આગામી પાંચ વર્ષ સુધી વધારી દીધો છે. સરકારે તેને ગેરકાયદેસર એસોસિએશન જાહેર કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, જેકેએલએફ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ અને અલગાવવાદને પ્રોત્સાહન આપતી ગતિવિધિઓમાં સામેલ છે.

યાસીન મલિક સહિત ઘણાં આતંકી સંગઠનો પર મૂકાયો પ્રતિબંધ 

યાસીન મલિક સહિત ગૃહ મંત્રાલયે જેકેપીએલ (મુખ્તાર અહેમદ વાઝા), જેકેપીએલ (બશીર અહેમદ તોતા), જેકેપીએલ (ગુલામ મોહમ્મદ ખાન) અને જેકેપીએલ (અઝીઝ શેખ) સંગઠનો પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. અમિત શાહે કહ્યું કે, જો કોઈ દેશની સુરક્ષા, સાર્વભૌમત્વ અને અખંડિતતાને પડકાર ફેંકતા જણાશે તો તેમણે કઠોર કાયદાકીય પરિણામ ભોગવવા પડશે. તેમણે કહ્યું કે મોદી સરકારે 'જમ્મુ કાશ્મીર પીપલ્સ ફ્રીડમ લીગ'ને પણ અલગતાવાદને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું છે.

આજે ચૂંટણી પંચ આગામી લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન કરશે

ગૃહ મંત્રાલયની આ તાબડતોડ કાર્યવાહી એવા દિવસે થઈ છે જ્યારે ભારતીય ચૂંટણી પંચ આગામી લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન કરવા જઈ રહ્યું છે. આજે લોકસભા અને કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવશે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે જમ્મુ-કાશ્મીરમાં પણ વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થઈ શકે છે.

જમ્મુ-કાશ્મીર નેશનલ ફ્રન્ટ પર પ્રતિબંધ

આ અગાઉ 12 માર્ચના રોજ સરકારે જમ્મુ-કાશ્મીર નેશનલ ફ્રન્ટને ગેરકાયદેસર સંગઠન ગણાવીને તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, મોદી સરકારે આજે જમ્મુ-કાશ્મીર નેશનલ ફ્રન્ટને ગેરકાયદેસર સંગઠન જાહેર કરી દીધુ છે. 


Google NewsGoogle News