કાશ્મીરની જેમ જમ્મુમાં પણ થશે આતંકીઓનો સફાયો! કેન્દ્ર સરકારની હાઈલેવલ બેઠકમાં ઘડાયો પ્લાન

Updated: Jun 16th, 2024


Google NewsGoogle News
કાશ્મીરની જેમ જમ્મુમાં પણ થશે આતંકીઓનો સફાયો! કેન્દ્ર સરકારની હાઈલેવલ બેઠકમાં ઘડાયો પ્લાન 1 - image


Home Minister Amit Shah And NSA Ajit Doval Meeting : જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના આડેધડ ગોળીબાર અને હુમલાઓમાં વધારો થયા બાદ કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. જમ્મુ-કાશ્મીરને સંપૂર્ણ સુરક્ષા બનાવવા માટે આજે (16 જૂન) નવી દિલ્હીમાં હાઈલેવલ બેઠક યોજાઈ હતી, જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ અને ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. 

સુરક્ષા એજન્સીઓને મિશન મોડમાં કામ કરવા નિર્દેશ

આ દરમિયાન અમિત શાહે એજન્સીઓને આદેશ આપ્યો છે કે, તેઓ કાશ્મીરનો ‘એરિયા ડોમિનેશન પ્લાન’ અને ‘ઝીરો ટેરર પ્લાન’નો ઉપયોગ જમ્મુમાં પણ કરે. ગૃહમંત્રાલયે બેઠક અંગે વધુ વિગતો આપતા કહ્યું કે, ગૃહમંત્રીએ ભારપૂર્વક કહ્યું છે કે, મોદી સરકાર આતંકવાદી (Terrorist)ઓનો ખાતમો કરવા નવી રીતોનો ઉપયોગ કરી એક મિસાલ કાયમ કરવા પ્રતિબદ્ધ છે. આ ઉપરાંત તેમણે તમામ સુરક્ષા એજન્સીઓને મિશન મોડમાં કામ કરવા અને સંકલિત રીતે ઝડપી પ્રતિસાદ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. ગૃહમંત્રીએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામેની લડાઈ તેના નિર્ણાયક તબક્કામાં છે.

‘અમે આતંકવાદને જડમૂળથી દૂર કરવા પ્રતિબદ્ધ’

તાજેતરની ઘટનાઓ દર્શાવે છે કે, અગાઉ આતંકવાદીઓ સંગઠન બનાવીને હિંસાને અંજામ આપતા હતા, હવે તેઓ છળકપટ કરીને પ્રોક્સી યુદ્ધ કરી રહ્યા છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, અમે આતંકવાદને જડમૂળથી દૂર કરવા પ્રતિબદ્ધ છીએ. આ માટે અમે સુરક્ષા એજન્સીઓ સાથે મળીને કામ કરવા, સંવેદનશીલ વિસ્તારોને ઓળખવા અને આવા વિસ્તારોમાં સુરક્ષાની ચિંતાઓને દૂર કરવા તરફ ધ્યાન આપી રહ્યા છીએ.

‘આતંક સામે ઝીરો ટૉલરેન્સ નીતિ હેઠળ કરાશે કાર્યવાહી’

ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના નેતૃત્વમાં આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટૉલરેન્સની નીતિનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું કે, કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને જળમૂળથી ખતમ કરવા માટે કોઈપણ કસર નહીં છોડે. ભારત સરકારના પ્રયાસોના કારણે કાશ્મીર ખીણમાં આતંકવાદ સંબંધીત ઘટનાઓમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે અને સારા પરિણામો મળ્યા છે. કાયદો-વ્યવસ્થામાં સુધારો થયા બાદ કાશ્મીર ખીણમાં રેકોર્ડ સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા છે.


Google NewsGoogle News