'...તો INDIA ગઠબંધનના પણ ટુકડા થઈ જશે', ફારુક અબ્દુલ્લાની સાથી પક્ષોને ચેતવણી, આપી સલાહ
ફારુક અબદુલ્લાએ કહ્યું કે જલદીથી જલદી સીટોની વહેંચણી મુદ્દે સમજૂતી કરવાની જરૂર
Farooq abdullah on INDIA Block News | લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે હજુ સુધી INDIA ગઠબંધનના સાથી પક્ષો સીટોની વહેંચણી અંગે કોઈ નિષ્કર્ષ સુધી પહોંચી શક્યા નથી. આ દરમિયાન જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સંકેત આપ્યા કે જો સીટોની વહેંચણી મુદ્દે INDIA ગઠબંધનમાં સામેલ પક્ષો વચ્ચે સહમતિ નહીં બને તો ગઠબંધન સામે મોટો ખતરો પેદા થશે અને જૂથવાદ ભડકશે જેનાથી INDIA ગઠબંધનમાં સામેલ પક્ષો અલગ અલગ ગઠબંધન કરી શકે છે. મને આ મોટો ખતરો લાગે છે.
પૂર્વ મુખ્યમંત્રીએ ઉચ્ચારી ચેતવણી!
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે જો સીટોની વહેંચણી વહેલી તકે નહીં થાય તો તે ગઠબંધન માટે ખતરો બનશે. આ પ્રક્રિયા ઝડપથી અને સમયસર પૂરી કરવી જોઇએ. જો INDIA ગઠબંધનમાં પક્ષો વચ્ચે ટૂંક સમયમાં સહમતિ નહીં બને તો કેટલાક પક્ષો અલગ જૂથ બનાવવાના પણ પ્રયાસો કરી શકે છે, જેને હું સૌથી મોટો ખતરો માનું છું અને હજુ પણ આપણી પાસે સમય છે.
ઘણા રાજ્યોમાં કોયડો ગુંચવાયો
લોકસભા ચૂંટણી માટે વિપક્ષ એકજૂથ થઈને લડવા પ્રયાસ કરી રહ્યો છે. હાલમાં પાર્ટીઓ વચ્ચે સીટોની વહેંચણી મુદ્દે વાતચીત ચાલી રહી છે, પરંતુ ઘણા રાજ્યો એવા છે જ્યાં સીટોની વહેંચણીનો મુદ્દો અટવાયેલો છે. જેમાં પશ્ચિમ બંગાળ, પંજાબ, દિલ્હી, યુપી, બિહાર અને કેરળ સહિત ઘણા રાજ્યો સામેલ છે જ્યાં પક્ષો વચ્ચે સહમતિ બની શકી નથી.
કોંગ્રેસે આ નેતાઓને જવાબદારી સોંપી
કોંગ્રેસે સીટ વહેંચણીને લઈને પોતાની એક કમિટીની રચના કરી છે, જેમાં મુકુલ વાસનિક, અશોક ગેહલોત, ભૂપેશ બઘેલ, સલમાન ખુર્શીદ અને મોહન પ્રકાશને સામેલ કરાયા છે. આ નેતાઓને વિવિધ પક્ષોના નેતાઓ સાથે વાત કરીને રાજ્યોમાં બેઠકોની વહેંચણીની રૂપરેખા નક્કી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. જો કે, હજુ સુધી કોઈપણ રાજ્યમાં સીટોની વહેંચણી પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.