એક્ઝિટ પોલથી ભાજપ ટેન્શનમાં, જમ્મુ-કાશ્મીરમાં સત્તા મેળવવા વ્યૂહનીતિ ઘડવાનું શરૂ!
Jammu-Kashmir Exit Poll 2024: જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)માં 90 વિધાનસભા બેઠકો પર ત્રણ તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે. હવે મતગણતરી આઠમી ઑક્ટોબરે થશે. સી વોટરના એક્ઝિટ પોલ અનુસાર, જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સ ગઠબંધનને બહુમતી મળતી જોવા મળી રહી છે. 90 બેઠકો વાળા રાજ્યમાં કોંગ્રેસ-નેશનલ ગઠબંધનને 40-48 બેઠકો, ભાજપને 27-32 બેઠકો, પીડીપીને 6-12 બેઠકો, અન્યના ખાતામાં 6-11 બેઠકો મળવાનો અંદાજ છે. આ દરમિયાન ભાજપે જમ્મુ-કાશ્મીરમાં સત્તા મેળવવા વ્યૂહનીતિ ઘડવાનું શરૂ કર્યું છે.
ભાજપની વ્યૂહનીતિ શું છે?
સૂત્રોના જણાવ્યાનુસાર, ભાજપ ઘણાં અપક્ષો અને નાના પક્ષોના નેતાઓના સંપર્કમાં છે. ભાજપે આ વ્યૂહરચના હેઠળ આ વખતે ઘાટીની તમામ સીટો પર ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો હતો. વર્ષ 2014માં ભાજપે 75 ઉમેદવારો ઊભા રાખ્યા હતા, આ વખતે પાર્ટી માત્ર 62 બેઠકો પર ચૂંટણી લડી હતી. ભાજપના નેતાઓના મતે, જો પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવશે, તો કોઈપણ વિલંબ કર્યા વિના તે અપક્ષ અને નાના પક્ષમાંથી જીતેલા ધારાસભ્યોના આધારે સરકાર બનાવવાનો દાવો કરશે.
જમ્મુમાં ક્લીન સ્વીપની અપેક્ષા
ભાજપને આશા છે કે તે છેલ્લી વખતની જેમ જમ્મુમાં ક્લીન સ્વીપ કરશે. ગત ચૂંટણીમાં ભાજપને 25 બેઠકો મળી હતી. આ વખતે ભાજપનું આકલન છે કે બેઠકની સંખ્યા વધીને 28-35 થઈ શકે છે. જો કે, કેટલાક નેતાઓનું માનવું છે કે જો ટિકિટ વિતરણમાં કોઈ ગેરરીતિ ન થઈ હોત તો આ સંખ્યા હજુ પણ વધી શકી હોત. યોગ્ય રીતે ટિકિટની વહેંચણી ન થવાને કારણે જમ્મુ ક્ષેત્રની કેટલીક બેઠકો પર ભાજપને બળવોનો સામનો કરવો પડ્યો હતો.
પાંચ ધારાસભ્યો પણ વ્યૂહનીતિનો ભાગ
અહેવાલો અનુસાર, કોંગ્રેસના કેટલાક બળવાખોરો નેતાઓ પર પણ ભાજપની નજર છે. પાર્ટી એવા બળવાખોર ઉમેદવારોના સંપર્કમાં છે જેમની જીત થવાની સંભાવના છે. જો કે કોંગ્રેસ પણ પોતાના બળવાખોરોના સંપર્કમાં હોવાની માહિતી ભાજપને મળી છે. પાંચ નામાંકિત ધારાસભ્યો ભાજપની વ્યૂહનીતિનો મહત્ત્વનો ભાગ છે. નવા કાયદા અનુસાર જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા પાંચ સભ્યોની નિમણૂક કરવામાં આવશે.
ચૂંટાયેલા સભ્યોની જેમ તેમને પણ મતદાન સહિતના તમામ અધિકારો મળશે. નામાંકન બાદ જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં સંખ્યાબળ વધીને 95 અને બહુમતનો આંકડો 48 થઈ જશે. આવી સ્થિતિમાં ભાજપ ઉમેદવારી દ્વારા પોતાની સંખ્યા વધારવાનો પ્રયાસ કરશે.