જમ્મુ કાશ્મીરમાં 15 કલાકમાં ત્રણ એન્કાઉન્ટર, કિશ્તવાડમાં એક જવાન શહીદ, ચારને ઈજા, એક આતંકી ઠાર
Jammu Kashmir Encounters : જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 15 કલાકમાં એન્કાઉન્ટરની ત્રણ ઘટનાઓ સામે આવી છે. જેમાંથી એક તરફ સેનાએ સોપોરમાં એક આતંકવાદીને ઠાર માર્યો છે. ત્યારે બીજી તરફ કિશ્તવાડમાં થયેલી અથડામણમાં એક પેરા ટ્રૂપર શહીદ થયા છે, જ્યારે ચારે પેરા સૈનિક ઈજાગ્રસ્ત થઈ ગયા છે.
ત્રણેય એન્કાઉન્ટર વિશે વાત કરીએ તો, પ્રથમ એન્કાઉન્ટર શ્રીનગરની બહારના વિસ્તારના જબરવાન જંગલ વિસ્તારમાં થયું હતું. અહીં બેથી ત્રણ આતંકીઓ ફસાયા હતા, ઓપરેશન કેટલાક કલાકો સુધી ચાલ્યું હતું. પરંતુ આ ઓપરેશન થોડા સમય પહેલા બંધ કરી દેવામાં આવ્યું છે, કારણ કે કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓ ઝબરવાન હિલ્સના જંગલમાં ભાગી ગયા છે.
બીજું એન્કાઉન્ટર - કિશ્તવાડમાં થયું. આતંકવાદીઓ અહીં જંગલમાં છુપાયેલા હતા, પરંતુ આ એન્કાઉન્ટરમાં નાયબ સુબેદાર રાકેશ કુમાર શહીદ થયા છે, જ્યારે ચાર પેરા સૈનિકો ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તાજેતરમાં 2 ગ્રામ સંરક્ષણ રક્ષકો (વીડીજી)ની હત્યા બાદ શોધખોળ સઘન બનાવવામાં આવી છે. આ સિવાય ત્રીજું એન્કાઉન્ટર સોપરમાં થયું હતું, જ્યાં એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો હતો.