કાશ્મીરમાં ભાજપને હરાવવા વિપક્ષ એકજૂટ, કોંગ્રેસે શરૂ કર્યું સાથી પક્ષો સાથે સંપર્ક અભિયાન
Jammu-Kashmir Assembly Election 2024 : જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગતાની સાથે જ કોંગ્રેસ પક્ષ રાજ્યમાં સક્રિય થઈ ગયો છે. પાર્ટી સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે ગાંધી પરિવાર ઈચ્છે છે કે પૂર્વ સીએમ ગુલામ નબી આઝાદ પક્ષમાં પાછા ફરે. આ માટે વરિષ્ઠ નેતાઓને તેમની સાથે વાત કરવા કહેવામાં આવ્યું છે.
જો કે, ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DPAP)ના પ્રવક્તા સલમાન નિઝામીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે અઠવાડિયાથી આઝાદના કોંગ્રેસમાં જોડાવાની ખોટી અફવાઓ ફેલાઈ રહી છે. ગાંધી પરિવારે તેમનો સંપર્ક કર્યો નથી. આ અફવાઓથી પક્ષને તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે.
NC અને PDP સાથે ગઠબંધન
અહીં કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સ (NC) અને PDP સાથે ગઠબંધન કરવાનો પ્રયાસ કરી રહી છે. ગઠબંધન બનાવવાનો હેતુ ભાજપને હરાવવાનો છે. આ માટે સમાન વિચારધારા ધરાવતા પક્ષોને એકજૂટ કરવાના ભાગરૂપે આ પ્રયાસ થઈ રહ્યો છે.
કોંગ્રેસના મહાસચિવ ગુલામ અહેમદ મીરે કહ્યું કે NC અને PDP માટે રાજ્યનો મુદ્દો વ્યક્તિગત મુદ્દાઓથી ઉપર હોવો જોઈએ. I.N.D.I.A એલાયન્સ રાષ્ટ્રીય સ્તરે રચાય છે. જમ્મુ-કાશ્મીરમાં પણ ત્રણેય પક્ષોએ સાથે મળીને ચૂંટણી લડવાની જરૂર છે.
આ પણ વાંચો : ઉત્તર પ્રદેશમાં ભયંકર અકસ્માત, બસ અને પીકઅપ વચ્ચે ટક્કર થતાં 8 લોકોનાં કમકમાટીભર્યા મોત
PDPએ ભાજપ સાથે મળી સરકાર બનાવી હતી
નેશનલ કોન્ફરન્સ અને પીડીપી જમ્મુ અને કાશ્મીરમાં ગુપકર ગઠબંધન હેઠળ સાથે આવ્યા હતા, પરંતુ બાદમાં બંને અલગ થઈ ગયા હતા. જમ્મુ-કાશ્મીરમાં પીડીપીએ ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. ગુલામ નબી આઝાદે 26 ઓગસ્ટે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું.
ગુલામ નબી આઝાદના રાજીનામાનું કારણ
આઝાદે પક્ષના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને રાજીનામા તરીકે પાંચ પાનાનો પત્ર મોકલ્યો હતો અને તેમની ભલામણોની અવગણના કરવાનો આરોપ લગાવ્યો હતો. જેમાં લખ્યું હતું કે, રાહુલ ગાંધીએ પક્ષમાં એન્ટ્રી સાથે કન્સલ્ટેશન મિકેનિઝમનો નાશ કર્યો છે. ખાસ કરીને જાન્યુઆરી 2013માં તેઓ ઉપાધ્યક્ષ બન્યા પછી પક્ષમાં આ વ્યવસ્થા સંપૂર્ણપણે બંધ થઈ ગઈ.
આઝાદ સહિત 6 નેતાઓ કોંગ્રેસમાં જોડાઈ શકે છે
આઝાદ સિવાય 5 અન્ય નેતાઓ પણ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. ડીપીએપી નેતા અને પૂર્વ નાણામંત્રી તાજ મોહિઉદ્દીન, પૂર્વ ધારાસભ્ય ગુલઝાર અહેમદ વાની, પૂર્વ ધારાસભ્ય પીર મંસૂર, પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ અમીન ભટ પણ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. આ સિવાય મહેબૂબા મુફ્તીના પિતરાઈ ભાઈ સજ્જાદ મુફ્તી અને અપની પાર્ટીના મહાસચિવ હિલાલ શાહ પણ કોંગ્રેસમાં જોડાઈ શકે છે.