Get The App

J&K Election: 32 સીટો પર કોંગ્રેસ, 51 સીટો પર NC ચૂંટણી લડશે, જાણો કોને કેટલી મળી સીટો

Updated: Aug 26th, 2024


Google NewsGoogle News
J&K Election: 32 સીટો પર કોંગ્રેસ, 51 સીટો પર NC ચૂંટણી લડશે, જાણો કોને કેટલી મળી સીટો 1 - image


Jammu and Kashmir Election: જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે ગઠબંધન જાહેર કર્યું હતું. હવે બંને પક્ષો વચ્ચે બેઠક વહેંચણી અંગે સમજૂતી પણ થઈ ગઇ છે.સોમવારે (26 ઓગસ્ટ) શ્રીનગરમાં ફારુક અબ્દુલ્લા અને કેસી વેણુગોપાલની હાજરીમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. વિધાનસભાની 90માંથી પાંચ બેઠકો પર ફ્રેન્ડલી ફાઇટ થશે, જ્યારે અન્ય 85માંથી કોંગ્રેસ 32 બેઠકો અને નેશનલ કોન્ફરન્સ 51 બેઠકો પર ચૂંટણી લડશે. બે બેઠકો અન્ય સાથી પક્ષો  માટે  છોડવામાં આવી છે. 

અન્ય સાથી પક્ષોને બે બેઠકો અપાઇ

જમ્મુ-કાશ્મીર કોંગ્રેસના પ્રમુખ તારિક કારાએ કહ્યું કે, 'કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ વચ્ચેની બેઠક વહેંચણી સમજૂતીમાં એક બેઠક સીપીઆઈને અને બેઠક સીટ જેકેએનપીપીને આપવામાં આવી છે.'

ફારુક અબ્દુલ્લાએ શું કહ્યું?

ફારુક અબ્દુલ્લાએ કહ્યું, 'આ ખૂબ જ આનંદની વાત છે. અમે અહીંના લોકોને વિભાજિત કરવાનું પ્રયાસ કરનારી શક્તિઓ વિરૂદ્ધ લડવા અભિયાન શરૂ કર્યો હતો. 'ઇન્ડિ' ગઠબંધન બનાવવા પાછળનું કારણ સાંપ્રદાયિક શક્તિઓ સામે લડવાનું જ હતું. અમે લોકોએ કરાર પૂર્ણ કર્યો છે.'

ગઠબંધન અંગે કેસી વેણુગોપાલનો ભાજપને જવાબ

નોંધનીય છે કે, નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચેના ગઠબંધન પર ભાજપે સવાલ ઉઠાવ્યા હતા. જેનો જવાબ આપતાં કોંગ્રેસ મહા સચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે, "ભાજપને અમારા ગઠબંધન પર કહેવાનો કયો નૈતિક અધિકાર છે? ભાજપ પણ અગાઉ નેશનલ કોન્ફરન્સ અને પીડીપી સાથે ગઠબંધન કરી ચૂકી છે. નેશનલ કોન્ફરન્સ હજી પણ એ જ જૂની નેશનલ કોન્ફરન્સ છે. પીડીપી હજી પણ એ જ જૂની પીડીપી છે, તેમનું બંને પક્ષો સાથે ગઠબંધન હતું.

ત્રણ તબક્કામાં મતદાન થશે

જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કા માટે 18 સપ્ટેમ્બરે, બીજા તબક્કા માટે 25 સપ્ટેમ્બરે અને છેલ્લા તબક્કા માટે 1 ઓક્ટોબરે મતદાન થવાનું છે. જ્યારે 4 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે.

કયા તબક્કામાં કેટલી બેઠકો પર મતદાન?

પ્રથમ તબક્કામાં જમ્મુ-કાશ્મીરની 24 બેઠકો પર, બીજા તબક્કામાં 26 અને છેલ્લા તબક્કામાં 40 બેઠકો પર મતદાન થશે. ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ 2019માં કલમ 370 નાબૂદ થયા બાદ જમ્મુ અને કાશ્મીરમાં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે.



Google NewsGoogle News