જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં પાંચ વાગ્યા સુધીમાં 54 ટકા મતદાન, બીજા તબક્કામાં મતદારોનો અભૂતપૂર્વ પ્રતિસાદ
Jammu and Kashmir Assembly Election 2024 Phase 2 Voting: જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આજે (25 સપ્ટેમ્બર) શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. છ જિલ્લાની 26 બેઠકો પર 239 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય 25.78 લાખ મતદારો કરવાના હતા. બીજા તબક્કામાં કુલ 54.11 ટકા મતદાન નોંધાયુ છે. રિયાસી જિલ્લામાં સૌથી વધુ 74.14 ટકા, જ્યારે શ્રીનગરમાં સૌથી ઓછું 29.24 ટકા મતદાન નોંધાયું છે.
બપોરે ત્રણ વાગ્યા સુધી 46.12 ટકા મતદાન થયુ હતું. જેમાં બડગામમાં 49.44 ટકા, ગાંદરબલમાં 49.01 ટકા, પુંછમાં 61.45 ટકા, રાજોરીમાં 58.95 ટકા, અને રિયાસીમાં 63.91 ટકા મતદાન નોંધાયુ હતું. રાજૌરીના બુધલ બેઠકના મતદાન કેન્દ્ર પર ભારે ભીડ જોવા મળી હતી. આ બેઠક પરથી જાવેદ ઈકબાલ જેકેએનસીમાંથી, ભાજપમાંથી ચૌધરી જુલ્ફકાર અલી અને પીડીપીમાંથી ગુફ્તાર અહમત મેદાનમાં ઉતર્યા છે. આ સિવાય રિયાસીના કટારામાં પણ લાંબી લાઈનો જોવા મળી હતી. જ્યાંથી પીડીપીએ બોધ રાજ મીનિયા, ભાજપે કુલદીપ રાજ દુબે અને કોંગ્રેસે મુમતાજ અહમદ ચૂંટણી લડી રહ્યા છે.
આ પણ વાંચોઃ અમારી સરકાર આવશે તો કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપીશું, રાહુલ ગાંધીનું ચૂંટણી વચન
જમ્મુ-કાશ્મીરના બીજા તબક્કામાં 26 બેઠકો માટે 3500 મતદાન મથકો પર 13000 પોલિંગ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. રાજૌરી અને રિયાસીમાં 2021થી રેકોર્ડ આતંકી હુમલાઓ થતાં હોવાથી અહીં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતા. આ દરમિયાન જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી જોવા આવેલા વિદેશી નેતાઓના પ્રતિનિધિમંડળે રાજ્યના અનેક મતદાન કેન્દ્રોની મુલાકાત કરી હતી. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં મતદારોનો સારો પ્રતિસાદ જોતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે, લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા નીકળી રહ્યા છે. આનાથી સાબિત થાય છે કે ઇતિહાસ રચાવા જઇ રહ્યો છે. અમને ખૂબ જ આનંદ થયો કે ખીણ અને જમ્મુમાં આટલા ઉત્સાહ સાથે મતદાન થયો.