'રાજકીય પક્ષોના કારણે જ આતંકીઓ કાશ્મીરમાં ઘૂસ્યાં', જમ્મુ-કાશ્મીર DGPના આરોપથી ખળભળાટ
Jammu Kashmir DGP On Terrorist: જમ્મુ-કાશ્મીરના DGP આર. આર. સ્વેને સોમવારે કાશ્મીરના સ્થાનિક પક્ષો પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે, ‘આ પક્ષોના કારણે જ પાકિસ્તાની આતંકવાદીઓ કાશ્મીરમાં ઘૂસણખોરી કરવામાં સફળ થયા છે. મુખ્યધારાના પક્ષોએ આતંકી નેતાઓને તૈયાર કર્યા, જેથી તેઓ ચૂંટણીમાં સારો દેખાવ કરી શકે. અહીં પક્ષોએ મત મેળવવા આતંકવાદને પ્રોત્સાહન આપ્યું.
આ પક્ષો વિરુદ્ધ પુરાવા હોવાનો પણ દાવો
એક ન્યૂઝ એજન્સીએ DGPનો હવાલો આપીને જણાવ્યું છે કે, ‘કાશ્મીર ખીણમાં કહેવાતા મુખ્યધારા અથવા પ્રાદેશિક રાજકારણના કારણે પાકિસ્તાન કાશ્મીરમાં ઘૂસણખોરી કરવામાં સફળ રહ્યું છે. એ દર્શાવવા માટે પૂરતા પુરાવા છે કે, ઘણાં લોકોએ સસલાં સાથે દોડવાની અને ભેડિયા સાથે શિકાર કરવાની કળા શીખી લીધી હતી, જેના કારણે સામાન્ય માણસ અને સુરક્ષા દળ બંને જ ડરી ગયા હતા અને મૂંઝવણમાં મૂકાઈ ગયા હતા.’ DGPના આ આરોપથી રાજકીય ખળભળાટ મચી ગયો છે.
SP રેન્કના અધિકારીઓને પણ જેલ હવાલે કરાયા
આ વાતચીતમાં સ્વેને આરોપ લગાવ્યો છે કે, ‘સુરક્ષા દળો દ્વારા ઠાર કરાયેલા આતંકવાદીઓના ઘરે જવું અને જાહેરમાં તેમના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવી આ લોકો માટે સામાન્ય બાબત છે. આતંકવાદમાં નવા લોકોને સામેલ કરવાની મંજૂરી અપાઈ, તેમને પ્રોત્સાહન પણ અપાયું, પરંતુ ભરતીમાં મદદ કરનારા અને નાણાંકીય વ્યવસ્થા કરનારાની ક્યારેય તપાસ ના કરાઈ. એસપી રેન્કના અધિકારીઓની આતંકવાદીઓ સાથે ધરપકડ કરીને તેમને જેલ હવાલે કરી દેવાયા. જો કે તેમણે કોઈ ગુનો જ નહોતો કર્યો.’
બે છોકરીઓના મોતનું પણ ઉદાહરણ આપ્યું
DGPએ 2014માં ત્રાલની એક ઘટના પણ યાદ કરી. તેમણે કહ્યું કે, ‘2014માં ત્રાલમાં બે છોકરીઓના ડૂબી જવાથી મોત થઈ ગયા. એ મોતની ઘટનાને આતંકવાદીઓએ અપહરણ સાથે જોડી દીધી. ત્યાર પછી કાશ્મીર ખીણમાં હડતાળો થઈ, રમખાણ પણ થયા. જો કે, CBI તપાસ અને એઈમ્સ ફોરેન્સિકમાં એ સ્પષ્ટ થઈ ગયું કે, આ માત્ર એક અકસ્માત હતો.’
નોંધનીય છે કે, DGPની આ ટિપ્પણી ભારતીય સેના દ્વારા જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં LOC પાર ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા ત્રણ આતંકવાદીને ઠાર કર્યા બાદ આવી છે. તેમણે કહ્યું કે, કાશ્મીર ખીણમાં કંઈ બધા જ આતંકી નથી, પરંતુ આ લોકો કોઈ પ્રત્યે જવાબદાર નથી. જો કોઈ બેજવાબદાર વ્યક્તિને પણ અહીં અંધાધૂંધ હત્યા કરવા માટે મોકલાય, જેનો એકમાત્ર હેતુ હિંસા ફેલાવવાનો છે, તો તે અમારા માટે એક મોટો પડકાર છે.’