ભાજપ ડેમેજ કન્ટ્રોલ મોડમાં, જેમના પત્તાં કપાયા એવા નારાજ નેતાઓને જમ્મુ-કાશ્મીરમાં સોંપી જવાબદારી
Jammu- Kashmir BJP Damage Control : જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો જોરશોરથી પ્રચારમાં જોડાઈ ગયા છે. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જમ્મુ કાશ્મીરમાં અનેક સંગઠનાત્મક ફેરફાર કર્યા છે. સત શર્માને જમ્મુ કાશ્મીરના કાર્યવાહક અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે આગામી વિધાનસભા ચૂંટણી માટે નિર્મલ સિંહને રાજ્યની ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ અને ચૌધરી સુખ નંદનને રાજ્ય ચૂંટણી પ્રચાર સમિતિના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પાર્ટીના આ ફેરફારને ડેમેજ કંટ્રોલ તરીકે જોવામાં આવી રહ્યું છે. હકીકતમાં કેટલાક દિગ્ગજ નેતાના પત્તા કપાયા હોવાથી ભાજપના સ્થાનિક નેતાઓમાં અસંતોષ જોવા મળી રહ્યો હતો.
જાણો આ ફેરબદલનો અર્થ
હકીકતમાં ભાજપે જેમને આ વખતે ટિકિટ નથી આપી, તેથી કેટલાક દિગ્ગજો નારાજ છે, એવા વરિષ્ઠ નેતાઓને મનાવવાની સતત કોશિશ કરી રહ્યું છે. ભાજપના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી સત શર્માને જમ્મુ કાશ્મીર ભાજપના કાર્યકારી અધ્યક્ષ તરીકેની આ નવી જવાબદારી આપવામાં આવી છે. તો ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી ડૉ. નિર્મલ સિંહને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે કવિંદ્ર ગુપ્તાને ભાજપની ચૂંટણી પ્રબંધન સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
ભાજપે જાહેર કરેલી 6 યાદીમાં દિગ્ગજોના પત્તા કપાયા
અત્રે નોંધનીય છે કે, ભાજપે અત્યાર સુધી જમ્મુ કાશ્મીર માટે ઉમેદવારોની 6 યાદી જાહેર કર્યું છે. જેમાં ભાજપના અનેક દિગ્ગજ નેતાઓની ટિકિટ કાપવામાં આવી છે. જેથી કરીને પક્ષમાં પણ અસંતોષ જોવા મળ્યો હતો. ભાજપ હવે આ નેતાઓને સંગઠનાત્મક જવાબદારી આપીને ડેમેજ કંટ્રોલ કરવા માંગે છે.
છઠ્ઠી યાદીમાં પૂર્વ સીએમનું પણ પત્તુ કપાયું
ભાજપે રવિવારે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી હતી. આ યાદીમાં કુલ 10 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાંથી પાંચ મુસ્લિમ ઉમેદવારો હતા. પાર્ટીએ કઠુઆ વિધાનસભા સીટ પરથી ડો.ભારત ભૂષણને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી કવિન્દર ગુપ્તાને તેમની ગાંધી નગર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી નથી.
જમ્મુ અને કાશ્મીર, કયા પ્રદેશમાં કેટલી બેઠકો?
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં કુલ 90 વિધાનસભા બેઠકો છે. 47 બેઠકો કાશ્મીરમાં અને 43 બેઠકો જમ્મુ વિસ્તારમાં છે. સીમાંકન પહેલાની વાત કરીએ તો 2014ની ચૂંટણી સુધી 87 સીટો હતી, જેમાંથી 37 બેઠકો જમ્મુમાં અને 46 બેઠકો કાશ્મીરમાં હતી. લદ્દાખમાં પણ ચાર બેઠકો હતી. રાજ્યનો દરજ્જો બદલાયા બાદ લદ્દાખ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયો છે. ત્યારપછીના સીમાંકનમાં જમ્મુમાં છ અને કાશ્મીરમાં એક બેઠક વધી છે.