જમ્મુ-કાશ્મીરમાં નવા સમીકરણ, પીડીપી ચોંકાવનારું પગલું લેવાની તૈયારીમાં, ભાજપ ટેન્શનમાં!
Jammu Kashmir Assembly Elections: જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયા બાદ હવે સરકાર બનાવવા માટે ગઠબંધનના પ્રયાસો ઝડપી થઈ ગયા છે. આ બાબતે કોંગ્રેસના જમ્મુ અને કાશ્મીરના વડા તારિફ હમીદ કર્રાએ કહ્યું કે, 'નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધન વિધાનસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવશે. પરંતુ સમાન વિચારધારા ધરાવતાં પક્ષો અને વ્યક્તિઓ માટે ભારતીય જનતા પાર્ટીને સત્તાથી દૂર રાખવાના દરવાજા ખુલ્લા છે.
ભાજપને સત્તાથી દૂર રાખવા પ્રયાસો
નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, 'એનસી અને કોંગ્રેસ મળીને સરકાર બનાવશે તેવું લાગી રહ્યું છે. જો પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) અમારી સાથે જોડાવા માટે તૈયાર છે, તો તે ઘણી મોટી વાત છે.' એક્ઝિટ પોલ બહાર આવ્યા પછી, પીડીપી નેતા જુહૈબ યુસુફ મીરે કહ્યું કે, 'અમે ભાજપને સત્તાથી દૂર રાખવા માટે NC અને કોંગ્રેસ સાથે ગઠબંધન માટે તૈયાર છે.'
જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી શકે છે
શનિવારે જાહેર કરાયેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યું છે કે નેશનલ કોન્ફરન્સ જમ્મુ અને કાશ્મીરમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી શકે છે. ભાજપને 2014ની વિધાનસભા ચૂંટણીમાં મળેલી 25 બેઠક કરતાં આ વખતે થોડી વધુ બેઠકો મળવાની ધારણા છે. પીડીપીને આ વખતે 10થી ઓછી બેઠક મળવાની આશા છે. 10 વર્ષ પહેલા થયેલી ચૂંટણીમાં પીડીપીને 28 બેઠક મળી હતી.
આ પણ વાંચો: લાલુ પ્રસાદના પરિવારને મોટી રાહત, જમીનના બદલામાં નોકરી કૌભાંડમાં કોર્ટે આપ્યાં જામીન
ફારુક અબ્દુલ્લાનો ભાજપ સાથે ગઠબંધન કરવાનો ઈન્કાર
શનિવારે નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ કહ્યું છે કે, 'અમારી પાર્ટી સરકાર બનાવવા માટે ભાજપ સાથે કોઈ ગઠબંધન કરશે નહીં. અમે ભાજપ સાથે નહીં જઈએ. ચૂંટણીમાં અમને જે મત મળ્યા છે તે ભાજપની વિરુદ્ધ છે. તેઓએ મુસ્લિમોને મુશ્કેલીમાં મૂક્યા, તેમની દુકાનો, ઘરો, મસ્જિદો અને શાળાઓ પર બુલડોઝર ફેરવી દીધા છે. શું તમને લાગે છે કે અમે તેમની સાથે જઈશું?'
ફારુક અબ્દુલ્લાએ વધુમાં કહ્યું કે, 'ભાજપે લોકસભા ચૂંટણી દરમિયાન એક પણ મુસ્લિમને પ્રતિનિધિત્વ આપ્યું નથી અને કેન્દ્રીય કેબિનેટમાં પણ એક પણ મુસ્લિમ મંત્રી નથી. હું માનું છું કે અમારા લોકો બીજેપીને વોટ નહીં આપે. જો તેઓ વિચારે છે કે તેઓ સરકાર બનાવશે તો તેઓ કાલ્પનિક દુનિયામાં છે.'