જમ્મુ-કાશ્મીરમાં સૈન્યનું મેગા ઓપરેશન, સોપોરમાં આતંકીઓ સાથેની અથડામણમાં 2 ઠાર મરાયા
પ્રતિકાત્મક તસવીર |
Jammu-Kashmir Terrorism: જમ્મુ અને કાશ્મીરના સોપોર વિસ્તારમાં સંતાયેલા આતંકવાદીઓ અને સુરક્ષા દળ વચ્ચે ગુરૂવારે (7 નવેમ્બર) ગોળીબાર શરૂ થયો હતો. અડધી રાત્રે અથડામણમાં સેનાએ બે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. અધિકારીઓએ કહ્યું કે, સોપોરના સાગીપોરા વિસ્તારમાં આતંકવાદીઓના એક સમૂહના સંતાયા હોવાની વિશેષ ગુપ્ત જાણકારી મળ્યા બાદ સંયુક્ત અભિયાન શરૂ કર્યુ હતું.
અધિકારીઓએ જણાવ્યું કે, સુરક્ષા દળ સંતાયેલા આતંકવાદીઓની નજીક પહોંચ્યા તો તેઓએ એકાએક ગોળીબાર શરૂ કરી દીધો. સુરક્ષાદળોના જવાબી ગોળીબારથી અથડામણ શરૂ થઈ ગઈ. મળતી માહિતી મુજબ, ત્રણથી ચાર આતંકવાદી સંતાયેલા છે અને સેનાએ 2 આતંકવાદીઓને ઠાર કરી દીધા છે.
આતંકવાદીઓની ઓળખ
કાશ્મીર ઝોન પોલીસે કહ્યું કે, મોતને ઘાટ ઉતારવામાં આવેલા આતંકવાદીઓની ઓળખ વિશે તપાસ કરવામાં આવી રહી છે. તેમની પાસેથી વાંધાજનક સામગ્રી, હથિયાર અને દારૂગોળો મળી આવ્યા છે.
આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ઘણાં હુમલા બાદ સુરક્ષાદળોએ હાલ આતંકાવાદીઓ સામે અભિયાન શરૂ કરી દીધું છે. થોડા દિવસ પહેલાં પણ 2 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. એક કુપરવાડા જિલ્લાના લોલાબ વિસ્તાર અને બીજો બાંદીપોરા જિલ્લાના કેટસુન જંગલોમાં અને હવે સેનાએ સોપોરમાં પણ 2 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે.
ગાંદરબલ આતંકવાદી હુમલામાં સાત લોકોની હત્યા
આતંકવાદીઓએ 20 ઓક્ટોબરે ગાંદરબલ જિલ્લાના ગગનગીર વિસ્તારમાં એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ કંપનીના શ્રમિક શિવિર પર હુમલો કરી સાત લોકોની હત્યા કરી દીધી હતી. 24 ઓક્ટોબરે આતંકવાદીઓએ બારામૂલા જિલ્લાના ગુલમર્ગના બોટાપાથરી વિસ્તારમાં સેનાના વાહન પર હુમલો કરી ત્રણ સેના જવાન અને બે નાગરિકની હત્યા કરી દેવામાં આવી હતી. ગગનગીર અને ગુલમર્ગની વ્યાપક રૂપે નિંદા કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ VIDEO : બાંદીપોરામાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર, બે જવાનો ઘાયલ
મોટી કિંમત ચૂકવવી પડશેઃ મનોજ સિન્હા
જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું કે, આ બે આતંકવાદી હુમલામાં સામેલ લોકોએ તેની મોટી કિંમત ચૂકવવી પડશે. નાગરિકોના એક-એક લોહીના ટીંપાનો બદલો લેવામાં આવશે.
સોપોર વિસ્તાર ભૂતકાળમાં અલગાવવાદીઓનો ગઢ રહ્યો છે અને 1990 બાદ ઘણાં વર્ષો સુધી વિભિન્ન સંગઠનોનો આતંકવાદી ત્યાં સક્રિય રહ્યા હતાં. અહીં સુરક્ષા દળોએ આતંકવાદ સામે પોતાની કાર્યવાહી શરૂ રાખી, વળી સોપોરે પણ હાલમાં થયેલા જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી દરમિયાન મોટી સંખ્યામાં મતદાન કરીને મુખ્યધારામાં પરત ફરી નવો અધ્યાય લખ્યો.
વીડીજીના બે સભ્યોની હત્યા
બીજીબાજુ કિશ્તવાડમાં બે ગ્રામ રક્ષા સમૂહ (વીડીજી) સભ્યોનું પહેલાં આતંકવાદીઓએ અપહરણ કર્યું અને બાદમાં તેની હત્યા કરી દીધી. મૃતકોની ઓળખ નઝીર અહેમદ અને કુલદીપ કુમારના રૂપે થઈ છે. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલી તપાસ હાથ ધરવામાં આવી છે.