જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, શોપિયાંમાં ભાજપ નેતાની હત્યા, અનંતનાગમાં કપલને ગોળી મારી
Jammu - Kashmir News | જમ્મુ-કાશ્મીરના અનંતનાગ અને શોપિયાંમાં ફાયરિંગની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. શોપિયાંના હીરપોરા વિસ્તારમાં આતંકવાદીઓએ ભાજપના નેતા અને પૂર્વ સરપંચ એજાઝ અહેમદ પર ગોળીબાર કર્યો હતો. તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેમનું મૃત્યુ થયું હોવાનું અહેવાલ છે. જ્યારે અનંતનાગના પહેલગામ વિસ્તારમાં રાજસ્થાનના એક કપલને ગોળી મારી દેવામાં આવી હતી.
કપલની હાલત ગંભીર, હાલ સારવાર ચાલુ
માહિતી અનુસાર આતંકવાદીઓએ પહેલગામમાં એક પ્રવાસી કેમ્પને નિશાન બનાવ્યો હતો. અહીં જયપુરના એક કપલ ફરહા અને તબરેઝને ગોળી ધરબી દીધી હતી. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, પતિ-પત્ની બંનેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
ભાજપ નેતા એજાઝ અહેમદની હત્યા
ઘટનાની માહિતી મળતા જ સુરક્ષાદળોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરિંગ બાદ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. સર્ચ ઓપરેશન ચાલુ છે. ઉલ્લેખનીય છે કે શોપિયાના હીરપોરા વિસ્તારમાં થયેલી ફાયરિંગમાં ભાજપ નેતા એજાઝ અહેમદ ખરાબ રીતે ઘાયલ થયા હતા. તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.