જમ્મુમાં સેનાનું ઓપરેશન, કઠુઆમાં એક આતંકી ઠાર, રિયાસી અને ડોડામાં પણ એન્કાઉન્ટર ચાલુ
Image : IANS |
Doda Terror Attack: જમ્મુ-કાશ્મીરના રિયાસી અને કઠુઆ બાદ હવે આતંકીઓએ ત્રીજો હુમલો કર્યો છે. આ વખતે આતંકવાદીઓએ ડોડા જિલ્લામાં સેનાના કામચલાઉ ઓપરેટીંગ બેઝ પર હુમલો કર્યો છે. આ હુમલામાં એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો છે. જ્યારે પાંચ જવાન ઈજાગ્રસ્ત થયાના અહેવાલ મળી રહ્યા છે. હાલ રિયાસીના જંગલમાં અને ડોડામાં એન્કાઉન્ટર ચાલુ છે.
સેનાના પાંચ જવાન ઈજાગ્રસ્ત થયાના અહેવાલ
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના છત્રકલામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળોના જવાનો વચ્ચે થયેલા ગોળીબારમાં સેનાના પાંચ જવાન ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. ઈજાગ્રસ્તોમાં એક સ્પેશિયલ પોલીસ ઓફિસર (એસપીઓ) પણ સામેલ છે. ઈજાગ્રસ્ત જવાનોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કાશ્મીર ટાઈગર નામના આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી છે.
એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર
અધિકારીઓના જણાવ્યાનુસાર બુધવારે સવારે લગભગ 1.45 વાગ્યે છત્રકલામાં સેનાના જવાનો અને પોલીસની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન હેઠળ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો હતો. આ પહેલા જમ્મુના ADGP આનંદ જૈને કહ્યું હતું કે એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર કર્યો છે જ્યારે હુમલામાં એક નાગરિક ઈજાગ્રસ્ત થયો હતો. જો કે હવે આ વિસ્તાર ખતરાની બહાર છે. ઓપરેશન હજુ ચાલુ છે અને વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર હાજર છે.