જમ્મુ કાશ્મીર: કુલગામમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં એક જવાન શહીદ, ઓપરેશન ચાલુ

Updated: Jul 6th, 2024


Google NewsGoogle News
જમ્મુ કાશ્મીર: કુલગામમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં એક જવાન શહીદ, ઓપરેશન ચાલુ 1 - image


Image Source: Twitter

Jammu Kashmir Kulgam Encounter: જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં એક જવાન શહીદ થઈ ગયો છે. કુલગામના મુદરગામ વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં પહેલા જવાન ઘાયલ થઈ ગયો હતો, ત્યારબાદ તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેમનું મૃત્યુ થઈ ગયું છે. આ વિસ્તારમાં હજું પણ ઓપરેશન ચાલુ છે. વિસ્તારમાં ત્રણથી ચાર આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય સેનાના જવાનો સતત આતંકવાદીઓની તલાશ કરી રહ્યા છે. 

સમગ્ર વિસ્તારને ઘોરી લેવામાં આવ્યો છે. ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે સેના અને પોલીસે ઓપરેશન શરૂ કર્યું હતું. જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ પોતાની નાપાક હરકતોથી બાજ નથી આવી રહ્યા. ભારતીય સેના સતત ઓપરેશન કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીય જવાનોએ અનેક ઓપરેશનને અંજામ આપ્યો છે. અથડામણમાં અનેક આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. 

ગત મહિને પણ અનેક ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા

જમ્મુ-કાશ્મીર છેલ્લા ઘણા દાયકાઓથી આતંકવાદનો સામનો કરી રહ્યું છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં આતંકવાદને ખાતમો કરવા માટે સતત અનેક અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. ગત મહિને પણ અનેક ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. લગભગ 10 દિવસ પહેલા ડોડામાં સુરક્ષાદળોએ 3 આતંકીઓને ઠાર કર્યા હતા. માર્યા ગયેલા ત્રણેય આતંકવાદીઓ પાકિસ્તાની નાગરિક હતા. તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો.

ઠાર કરવામાં આવેલા આતંકવાદીઓ પાસેથી બે M4 અને એક AK 47 રાઈફલ મળી આવી હતી. 11 જૂનના રોજ ડોડાના છત્તરગલ્લામાં આતંકવાદીઓએ પોલીસ ચોકી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 6 સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. આ પહેલા બાંદીપોરામાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કરી દીધો હતો.

જમ્મુ કાશ્મીરમાં ગત મહિને મોટા આતંકવાદી હુમલા થયા હતા

જમ્મુ-કાશ્મીરમાં ગત મહિને અનેક મોટા આતંકવાદી હુમલા થયા હતા. રિયાસી, કઠુઆ અને ડોડામાં થયેલા આતંકવાદી હુમલામાં અનેક લોકોના મૃત્યુ થયા હતા. 9 જૂનના રોજ રિયાસી હુમલામાં 9 શ્રદ્ધાળુઓના મોત થયા હતા જ્યારે 7 સુરક્ષાકર્મીઓ પણ ઘાયલ થયા હતા. આ હુમલામાં CRPFનો એક જવાન પણ શહીદ થઈ ગયો હતો. બીજી તરફ કઠુઆમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા.


Google NewsGoogle News