કબૂલ હૈ, કબૂલ હૈ, કબૂલ હૈ...', અમરનાથ યાત્રામાં તહેનાત કરાતાં યુવાને વીડિયો કોલ પર જ લગ્ન કર્યા
Image Social Media |
Virtually Marriage: અમરનાથજીની યાત્રા માટે પહેલગામના નુનવાન બેઝકેમ્પમાં ફરજ બજાવતા સુપરવાઈઝર ફૈઝલ અહેમદે સમર્પણનું અનોખુ પ્રદર્શન કર્યું છે. જાણકારી પ્રમાણે ફૈઝલે વર્ચ્ચુઅલ રીતે લગ્ન કર્યા હતા, જેથી કરીને તે બેઝકેમ્પમાં પોતાની જવાબદારીઓ નિભાવી શકે. આ પ્રસંગે ગ્રામીણ વિકાસ વિભાગ અને સેવા પ્રદાતાઓના કાર્યકરોએ ગ્રામીણ સ્વચ્છતા અંતર્ગત એક નાનું આયોજન પણ કર્યું હતું.
શોપિયાં જિલ્લાનો રહેવાસી છે ફૈઝલ અહેમદ
દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના ઝૈનાપોરાનો રહેવાસી ફૈઝલ અહેમદે કેમ્પમાં રહીને પોતાનું કામ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો.
એક અધિકારીએ વાત કરતાં જણાવ્યું હતું કે, આ પ્રંસગે ડઝનેક લોકો હાજર રહ્યા હતા. અને તેમના માટે મિઠાઈ અને ચા- બિસ્કિટની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેના કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. ગ્રામીણ સ્વચ્છતાના મહાનિર્દેશક અનુ મલ્હોત્રાએ આ વિશેષ પ્રંસગે ફૈઝલ અહેમદને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.
અધિકારીઓએ પાઠવ્યા અભિનંદન
આ અંગે અધિકારીઓએ કહ્યું કે, તેમનું સમર્પણ સ્વચ્છતા મિશનની સફળતાને સુનિશ્ચિત કરવાની ભૂમિકા દર્શાવે છે. ફૈઝલની પ્રતિબદ્ધતા અને તેમના દ્વારા આપવામાં આવતી અનુકરણીય સેવા પર અમને ગર્વ છે.
બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર (BDO) મુદાસિર ગુલે જણાવ્યું હતું કે, ફૈઝલ અહેમદે સરળ તીર્થયાત્રાને સુનિશ્ચિત કરવા પોતાની જવાબદારીને સમજતાં ફૈઝલ અહેમદે પ્રસંગ માટે ઘરે જવાને બદલે બેઝકેમ્પમાં રહેવાનું પસંદ કર્યું. તેમજ ઉપસ્થિત લોકોએ તેમનું મનોબળ વધારવા માટે એક યાદગાર પ્રસંગ આયોજન કર્યું છે.