દેશના વધુ એક દુશ્મનનું મોત, જમ્મુમાં આર્મી કેમ્પ પર હુમલાના માસ્ટરમાઈન્ડની માથું કાપેલી હાલતમાં મળી લાશ
Image Source: Twitter
- થોડા દિવસો પહેલા ખ્વાજા શાહિદનું અપહરણ કરી લેવામાં આવ્યુ હતું
નવી દિલ્હી, તા. 06 નવેમ્બર 2023, સોમવાર
તાજેતરમાં ભારતના અનેક દુશ્મનોના શંકાસ્પદ પરિસ્થિતિઓમાં મોત થઈ રહ્યા છે. ત્યારે હવે એવી માહિતી મળી રહી છે કે, વર્ષ 2018માં જમ્મુમાં આર્મી કેમ્પ પર કરવામાં આવેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ પીઓકેમાં તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો છે. મૃતકની ઓળખ ખ્વાજા શાહિદ તરીકે થઈ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ખ્વાજા શાહિદનું માથુ કાપેલી હાલતમાં લાશ મળી આવી છે. થોડા દિવસો પહેલા ખ્વાજા શાહિદનું અપહરણ કરી લેવામાં આવ્યુ હતું.
મૃતક લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર હતો
ખ્વાજા શાહિદ આતંકવાદી લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર હતો અને તે 2018માં જમ્મુના સુંજવાનમાં આર્મી કેમ્પ પર હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. આ હુમલામાં આતંકવાદીઓએ આર્મી કેમ્પ પર AK-47 રાઈફલ અને ગ્રેનેડથી હુમલો કર્યો હતો જેમાં સેનાના 6 જવાનો શહીદ થઈ ગયા હતા. ખ્વાજા શાહિદ ઉર્ફે મિયાં મુજાહિદ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નીલમ ઘાટીનો રહેવાસી હતો. ખ્વાજા શાહિદનું તાજેતરમાં અજાણ્યા બંદૂકધારીઓએ અપહરણ કરી લીધુ હતું અને ત્યારબાદ ખ્વાજા શાહિદ વિશે કોઈ માહિતી નહોતી મળી. પાકિસ્તાની સેના અને ગુપ્તચર એજન્સી ISI ખ્વાજા શાહિદને શોધવાનો પ્રયાસ કરી રહી હતી અને હવે તેનો મૃતદેહ મળી આવ્યો છે.
દેશના દુશ્મનોને શોધી-શોધીને મારવામાં આવી રહ્યા છે
વિદેશોમાં દેશના દુશ્મનોને શોધી-શોધીને મારવામાં આવી રહ્યા છે. તાજેતરમાં અનેક આતંકવાદીઓને અજાણ્યા લોકોએ વિદેશી ધરતી પર નિશાન બનાવ્યા છે. તેમાં ભારતના મોસ્ટ વોન્ટેડ શાહિદ લતીફ, કૈસર ફારૂક, જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઝહૂર ઈબ્રાહિમ ઉર્ફે ઝાહિદ અખુંદ સહિત કેનેડામાં ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જર અને પાકિસ્તાનમાં ખાલિસ્તાની આતંકવાદી હરવિંદર સિંહ સંધુની હત્યા કરવામાં આવી છે. આ તમામ મામલે હુમલાખોરો દ્વારા માહિતી નથી મળી.
છેલ્લા 20 મહિનામાં અલગ-અલગ કારણોસર 18 ભારત વિરોધી આતંકવાદીઓ માર્યા ગયા છે. ગl મહિને જૈશ-એ-મોહમ્મદના નજીકના સહયોગી દાઉદ મલિકની ઉત્તરી વઝીરિસ્તાનમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. આતંકવાદીઓના આવા મોતથી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી પણ એક્શનમાં આવી ગઈ છે અને અહેવાલો મળી રહ્યા છે કે, આઈએસઆઈ તેના મેમ્બરને લઈને સતર્ક થઈ ગઈ છે અને ઘણાની લોકેશન બદલ નાખી છે.